પાકિસ્તાને કાશ્મીરથી કચ્છ સુધી કરેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓને ખાળનારી S400 સિસ્ટમ શું છે?

09 May, 2025 08:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુદર્શનચક્ર જેવું કામ આપતી આ ઍર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ૪૦૦ કિલોમીટર દૂરથી પણ એકસાથે ૧૬૦ મિસાઇલને ખતમ કરી શકે છે

ઍર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ S400 તહેનાત કરી

ઑપરેશન સિંદૂરની શરૂઆત કર્યા બાદ ભારતીય સેનાએ પહેલેથી જ સીમા પર રશિયન ઍર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ S400 તહેનાત કરી દીધી હતી. આ એવી ઍર ડિફેન્સ સિસ્ટમ છે જે હવામાંથી થતા અટૅકને રોકી શકે છે. એ ડ્રોન, મિસાઇલ્સ, રૉકેટ લૉન્ચર અને ફાઇટર જેટ્સ સુધ્ધાંને રોકીને ખતમ કરવામાં સક્ષમ છે. દુનિયાની અત્યંત આધુનિક ઍર ડિફેન્સ સિસ્ટમ્સમાં એની ગણતરી થાય છે. ભારતે રશિયા પાસેથી ૨૦૧૮માં ૪૦,૦૦૦ કરોડ રૂપિયામાં આવી પાંચ સિસ્ટમની ડીલ કરી હતી. હાલમાં ત્રણ ઍર ડિફેન્સ સિસ્ટમ ભારતીય સેનામાં કાર્યરત છે.

શું ખાસિયતો છે?

આ મોબાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. રૉડ દ્વારા એને તમે ચાહો ત્યાં ખસેડી શકો છો અને તહેનાત કરી શકો છો.

એમાં જે 92N6E ઇલેક્ટ્રૉનિકલ ​સ્ટિયર્ડ ફેઝનાં ઍરો રડાર લાગેલાં છે એ ૬૦૦ કિલોમીટર દૂરથી મલ્ટિપલ ટાર્ગેટ્સ ડિટેક્ટ કરી શકે છે. ઑર્ડર મળતાં જ સિસ્ટમ પાંચથી દસ મિનિટમાં ઑપરેશન માટે તૈયાર થઈ જાય છે.

S400ના એક યુનિટથી એકસાથે ૧૬૦ ઑબ્જેક્ટ્સ ટ્રૅક કરી શકાય છે અને દરેક ટાર્ગેટ માટે બે મિસાઇલ લૉન્ચ કરી શકે છે. હવામાં ૩૦ કિલોમીટર ઊંચે ઊડતા ટાર્ગેટ પર પણ ખૂબ ચોકસાઈ સાથે અટૅક કરી શકે છે.

ઍર ડિફેન્સ સિસ્ટમમાં શું હોય છે?

આ ડિફેન્સ સિસ્ટમના દરેક યુનિટમાં એક કમાન્ડ અને કન્ટ્રોલ સિસ્ટમ હોય છે. એક સર્વેલન્સ રડાર, એક ગાઇડન્સ રડાર અને એક ટ્રાન્સપોર્ટ લૉન્ચર સામેલ હોય છે. સિસ્ટમમાં અલગ-અલગ શૉર્ટ રેન્જ, મીડિયમ રેન્જ, લૉન્ગ રેન્જ અને વેરી લૉન્ગ રેન્જ એમ ચાર રેન્જની મિસાઇલો પણ હોય છે. એ ૪૦ કિલોમીટરથી લઈને ૪૦૦ કિલોમીટર સુધી કાઉન્ટર-અટૅક કરી શકે છે.

કઈ રીતે કામ કરે છે સિસ્ટમ?

ઍર ડિફેન્સ સિસ્ટમમાં સર્વેલન્સ રડાર હોય છે જે ઑપરેશનલ એરિયાની આસપાસ એક સુરક્ષાચક્ર બનાવી લે છે. આ ચક્રમાં જેવી કોઈ મિસાલ કે અન્ય હથિયાર પ્રવેશે તો રડાર એને ડિટેક્ટ કરીને કમાન્ડ વેહિકલને અલર્ટ મોકલે છે. અલર્ટ મળતાં જ ગાઇડેડ-રડાર ટાર્ગેટની પૉઝિશન સુનિશ્ચિત કરીને કાઉન્ટર-અટૅક માટે મિસાઇલ લૉન્ચ કરે છે.

operation sindoor india pakistan Pakistan occupied Kashmir Pok ind pak tension indian army indian air force indian navy indian government national news news