૩૧ જુલાઈ સુધી તમામ રાજ્યોમાં ‘વન નેશન વન રૅશન કાર્ડ’ અમલી બનાવો : સુપ્રીમ કોર્ટ

06 July, 2021 09:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧ જૂન ૨૦૨૦ સુધીમાં આ યોજનાને આખા દેશમાં લાગુ કરવાની હતી, પણ કોરોનાને કારણે એ હજી સુધી લાગુ નથી કરી શકાઈ.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ૩૧ જુલાઈ સુધી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ‘વન નેશન, વન રૅશન કાર્ડ’ યોજનાને લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે. ૨૦૧૯માં આ સ્કીમ તેલંગણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો છે. ૧ જૂન ૨૦૨૦ સુધીમાં આ યોજનાને આખા દેશમાં લાગુ કરવાની હતી, પણ કોરોનાને કારણે એ હજી સુધી લાગુ નથી કરી શકાઈ.
આ કોરોનાને કારણે જ એની જરૂરિયાત ત્વરિત ઊભી થઈ છે. જો આ યોજના લાગુ હોત તો પ્રવાસી મજૂરોની મુશ્કેલી ઘણી ઓછી થઈ શકી હોત. એને જોતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દરેક રાજ્યમાં ૩૧ જુલાઈ સુધી નિશ્ચિત રીતે ‘વન નેશન, વન રૅશન કાર્ડ’ની સ્કીમ લાગુ કરવામાં આવે, જેથી દરેક પ્રવાસી મજૂરને દેશના કોઈ પણ ક્ષેત્રમાં પોતાના ભાગનું રૅશન મળી શકે.
હાલ આસામ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીને છોડીને દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે.

supreme court national news