24 April, 2025 10:54 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
ઇન્ટેલિજન્સ બ્યુરો ઑફિસર મનીષ રંજન પરિવાર
મૂળ બિહારના ઝાલદાના અને હાલમાં હૈદરાબાદમાં પોસ્ટિંગ થયેલું એવા ઇન્ટેલિજન્સ બ્યુરો ઑફિસર મનીષ રંજને પણ પહલગામના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવ્યો છે. આમ તો આતંકવાદીઓ માત્ર પુરુષોને જ નિશાન બનાવતા હતા, પરંતુ એમ છતાં તેમણે પત્ની અને બે સંતાનોને બચાવવા માટે સમજદારીભર્યો પ્રયત્ન કર્યો હતો. આતંકવાદીઓ જે દિશામાં જઈ રહ્યા હતા એની વિરુદ્ધ દિશામાં ભાગવાનું પત્ની અને બાળકોને કહીને તેઓ ત્યાં જ ઊભા રહી ગયા હતા. આતંકવાદીઓએ તેમને ઊભા રાખીને ધર્મ પૂછ્યો અને એ પછી ગોળી ધરબી દીધી.
મનીષ રંજન પરિવારના સૌથી મોટા દીકરા છે. તેઓ સપરિવાર વૈષ્ણોદેવીનાં દર્શન કરવા જવાના હતા, પરંતુ એ પહેલાં તેમણે પત્ની અને દીકરા સાથે ત્રણ દિવસનો કાશ્મીર ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. મનીષ રંજન એ જ રાતે વૈષ્ણોદેવી જવા નીકળી જવાના હતા, પણ એ પહેલાં આ ઘટના બની ગઈ. મંગળવારે તેમના પેરન્ટ્સ ડૉ. મંગલેશકુમાર અને આશાબહેન ટ્રેનથી વૈષ્ણોદેવી જઈ રહ્યાં હતાં, પરંતુ આ ઘટના પછી તેમને અધવચ્ચે જ ઝારખંડના ડાલ્ટનગંજ સ્ટેશને ઉતારીને તેમના મૂળ ગામ ઝાલદા લાવવામાં આવ્યાં હતાં.
મનીષ રંજનના પાર્થિવ દેહને ઝાલદા લાવવામાં આવશે અને ત્યાં જ તેમની અંતિમક્રિયા થશે.