11 December, 2023 09:22 AM IST | રાયપુર | Gujarati Mid-day Correspondent
રાયપુરમાં ગઈ કાલે બીજેપી વિધાનસભા પાર્ટીની મીટિંગ દરમ્યાન છત્તીસગઢના આગામી મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈ આવેલા બીજેપીના લીડર વિષ્ણુદેવ સાઈને હાર પહેરાવી રહેલા પાર્ટીના લીડર્સ સર્બાનંદ સોનોવાલ અને દુષ્યંત કુમાર ગૌતમ તેમ જ અન્ય લીડર્સ.
રાયપુર : સિનિયર આદિવાસી લીડર અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વિષ્ણુદેવ સાઈ છત્તીસગઢના નવા મુખ્ય પ્રધાન રહેશે. તેઓ રાજકારણમાં ક્લીન ઇમેજ ધરાવતા અને લાંબી પૉલિટિકલ ઇનિંગ રમનારા ટોચના આદિવાસી લીડર છે. છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવીને પાંચ વર્ષના ગૅપ બાદ બીજેપી રિસન્ટલી સત્તા પર આવી છે. બીજેપીના લીડર્સ અરુણ સાઓ અને વિજય શર્મા છત્તીસગઢના નવા ડેપ્યુટી મુખ્ય પ્રધાન રહેશે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રમણ સિંહ વિધાનસભાના સ્પીકર રહેશે.
રાયપુરમાં ત્રણ કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં પ્રદેશ બીજેપીના હેડ ક્વૉર્ટર્સ ખાતે બીજેપીના વિધાનસભા પક્ષની એક મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિરીક્ષકોએ ૫૪ નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની સાથે ચર્ચા કરી હતી. કેન્દ્રીય પ્રધાનો સર્બાનંદ સોનોવાલ અને અર્જુન મુંડા તેમ જ પાર્ટીના સિનિયર નેતા દુષ્યંત ગૌતમ છત્તીસગઢ માટેના નિરીક્ષક છે.
છત્તીસગઢમાં ટૉપ પોસ્ટ સોંપવા બદલ સાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમ જ બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન તરીકે હું શાસન મારફત પીએમ મોદીની ગૅરન્ટી (ચૂંટણી પ્રચાર દરમ્યાન બીજેપી દ્વારા મતદાતાઓને આપેલું વચન) પૂરી કરવાની કોશિશ કરીશ.’ તેમણે એમ પણ જણાવ્યું હતું કે હાઉસિંગ સ્કીમના લાભાર્થીઓ માટે ૧૮ લાખ મકાનોને મંજૂરી એ રાજ્યમાં તેમની પ્રથમ કામગીરી રહેશે.
વિષ્ણુદેવ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રમણ સિંહના નિકટના મનાય છે. તેઓ ચાર વખત એમપી તરીકે ચૂંટાયા છે. તેઓ બે વખત છત્તીસગઢ બીજેપી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આ આદિવાસી લીડર ૨૦૧૪થી ૨૦૧૯ દરમ્યાન મોદી કૅબિનેટમાં કેન્દ્રીય પ્રધાન હતા. જોકે વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ બીજેપીએ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં એના તમામ એમપીના બદલે નવા ચહેરાઓને ટિકિટ આપી હતી. એ સમયે વિષ્ણુદેવને પણ ટિકિટ નહોતી મળી.
અમિત શાહે ઑલરેડી હિન્ટ આપી હતી
છત્તીસગઢના સીએમ પોસ્ટ માટેના સસ્પેન્સનો હવે અંત આવ્યો છે. જોકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણી વખતે સાઈ માટે પ્રચાર કરતી વખતે ઑલરેડી હિન્ટ આપી હતી. કુનકુરીમાં એક ચૂંટણી સભાને સંબોધતી વખતે શાહે કહ્યું હતું કે ‘તમે આમને (વિષ્ણુદેવ સાઈને) વિધાનસભ્ય બનાવો, તેમને મોટા માણસ બનાવવાનું કામ અમે કરીશું.’ સાઈએ આ સીટ પર ૨૫,૫૪૧ મતના માર્જિનથી કૉન્ગ્રેસના ઉમેદવાર યુડી મિન્જને હરાવ્યા હતા.
એમપીમાં આજે મીટિંગ, રાજસ્થાનમાં સસ્પેન્સ યથાવત્
મધ્ય પ્રદેશમાં બીજેપીના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો વિધાનસભા પાર્ટીના લીડરને ચૂંટી કાઢવા માટે આજે મળશે. એક વિધાનસભ્યે કહ્યું હતું કે આ મીટિંગની શરૂઆત બપોરે ચાર વાગ્યાથી થવાની અપેક્ષા છે અને સીએમના નામની સાંજે સાત વાગ્યા સુધીમાં જાહેરાત થઈ શકે છે. રાજસ્થાનમાં બીજેપીના નવા ચૂંટાયેલા કેટલાક વિધાનસભ્યો ગઈ કાલે ભૂતપૂર્વ સીએમ વસુંધરા રાજેને મળ્યા હતા. પાર્ટી આ રાજ્યના સીએમ માટે કોની પસંદગી કરશે એનું સીક્રેટ યથાવત્ રહ્યું છે. બીજેપીએ હજી સુધી વિધાનસભા પાર્ટીની મીટિંગની જાહેરાત કરી નથી.