17 June, 2024 07:27 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
કેરલાના તિરુવનંતપુરમમાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાખેલા લંચમાં પાર્ટીના સંસદસભ્ય અને કેન્દ્રમાં રાજ્યકક્ષાના પ્રધાન સુરેશ ગોપી કેરલા BJPના પ્રેસિડન્ટ કે. સુરેન્દ્રન અને પાર્ટીના નેતા વી. મુરલીધરન સાથે.
ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને ‘મધર ઑફ ઇન્ડિયા’ કહેવાના એક દિવસ બાદ કેન્દ્રીય પ્રધાન સુરેશ ગોપીએ ગઈ કાલે સ્પષ્ટ કર્યું હતું કે મેં દિવંગત નેતાને દેશમાં કૉન્ગ્રેસ પાર્ટીની માતા કહ્યું હતું અને મીડિયાએ મારી ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે ઇન્દિરા ગાંધીની બાબતમાં મેં જે કહ્યું છે એમાં જરા પણ ખોટું નથી.
ઍક્ટરમાંથી રાજકારણી બનેલા સુરેશ ગોપીએ કહ્યું હતું કે ‘હું જે બોલું છું એ દિલથી બોલું છું અને એમ કરવામાં કંઈ ખોટું પણ નથી. મારે જે કહેવું હતું એનો સંદર્ભ મીડિયા સમજી શક્યું નથી. મેં જે કહ્યું હતું એ પ્રાસંગિક સંદર્ભમાં હતું. મેં દિવંગત નેતા કરુણાનિધિને સાહસિક નેતા ગણાવ્યા હતા.’
કેન્દ્રમાં પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ તથા પર્યટન વિભાગના રાજ્ય પ્રધાન બનાવવામાં આવેલા સુરેશ ગોપીએ કેરલાના કમ્યુનિસ્ટ નેતા ઈ. કે. નયનાર અને કે. કરુણાનિધિને તેમના રાજકીય ગુરુ ગણાવ્યા હતા.