22 April, 2025 10:08 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઇન્વેસ્ટમેન્ટના અનેકગણા રિટર્નની લોભામણી લાલચને કારણે હૈદરાબાદની એક વ્યક્તિને ૨.૪૩ કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. આ સ્કૅમમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી નવી મુંબઈના બાવીસ વર્ષના યુવાને. રશ્મિત રાજેન્દ્ર પાટીલ નામના આ યુવકે ઑનલાઇન સ્કૅમ માટેનાં અકાઉન્ટ્સ પૂરાં પાડ્યાં હોવાનું હૈદરાબાદ સાઇબર ક્રાઇમ પોલીસે જણાવ્યું હતું.
કેસની વિગત મુજબ હૈદરાબાદમાં રહેતી ૫૬ વર્ષની એક વ્યક્તિને સોશ્યલ મીડિયા પરથી ઇન્વેસ્ટમેન્ટ માટે SAMCO સિક્યૉરિટીઝ અને IIFL ઍપ્લિકેશનની લિન્ક મળી હતી જેમાં લૉગ-ઇન કર્યા બાદ શરૂઆતમાં તેમને ઇન્વેસ્ટમેન્ટ સામે ભરપૂર રિટર્ન મળવા લાગ્યું. આ પ્રૉફિટ ઍપ્લિકેશનના વર્ચ્યુઅલ વૉલેટમાં જમા થતું હતું જે એકથી ત્રણ દિવસમાં પોતાના પર્સનલ બૅન્ક-અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ શકે એવી માહિતી તેમને આપવામાં આવી હતી. આ માહિતી સાચી હોવાનું માની ફરિયાદી ઍપમાં લિસ્ટેડ જુદાં-જુદાં બૅન્ક-અકાઉન્ટ્સમાં રૂપિયા ટ્રાન્સફર કરતા રહ્યા. કુલ ૨.૪૩ કરોડ રૂપિયા ભરાઈ ગયા બાદ સ્કૅમર્સે તેમનું અકાઉન્ટ બ્લૉક કરી દીધું જેને કારણે તેઓ પોતાના રૂપિયા ઉપાડી પણ ન શકે.
તપાસ દરમ્યાન હૈદરાબાદ પોલીસને જણાયું હતું કે નકલી બૅન્ક-અકાઉન્ટ્સ પૂરાં પાડવાનું કામ રશ્મિતનું હતું. તેની ધરપકડ કરીને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.