10 May, 2026 01:46 PM IST | Mumbai | Laxmi Vanita
વિશ્વની પ્રથમ ‘હૉસ્પિટલ ઑન વ્હીલ્સ’ એટલે કે હૉસ્પિટલ ટ્રેન ‘લાઇફલાઇન એક્સપ્રેસ’ કે ‘જીવનરેખા એક્સપ્રેસ’ને માનવામાં આવે છે. એની શરૂઆત ૧૯૯૧માં ઇમ્પૅક્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ભારતીય રેલવે અને આરોગ્ય મંત્રાલયના સહયોગથી કરવામાં આવી હતી
અંતરિયાળ વિસ્તારોમાં કાર્ય કરતા રેલવે-કર્મચારીઓ અને તેમના પરિવારોને મેડિકલ સહાય મળી રહે એ હેતુસર ભુસાવળના ડિવિઝનલ રેલવે મૅનેજર ઇતિ પાંડેએ રેલવેના કોચને જ હૉસ્પિટલમાં તબદીલ કરી દીધી છે. રુદ્ર – હૉસ્પિટલ ઑન વ્હીલ’ નામની આ હૉસ્પિટલ થકી રિમોટ વિસ્તારોના લોકોને રાહત પહોંચાડવાની આ પહેલ પાછળની પ્રેરણા ક્યાંથી મળી એ જાણીએ...
ટ્રેન અને યાદો વચ્ચે એક અનોખો અને ભાવનાત્મક સંબંધ હોય છે. ટ્રેનની મુસાફરી માત્ર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનો માર્ગ નથી, પરંતુ જીવનની અનેક સ્મરણીય પળો સાથે જોડાયેલી હોય છે. બારી પાસે બેસીને પસાર થતાં દૃશ્યો જોવાં, પરિવાર અને મિત્રો સાથેની વાતો, સ્ટેશન પરની હલચલ અને ચાની સુગંધ જેવી નાની-નાની ક્ષણો આપણા મનમાં સદાકાળ માટે છપાઈ જાય છે. ઘણી વાર ટ્રેનની સફર બાળપણની યાદો, નવા પ્રવાસોની શરૂઆત અને વિદાયની ભાવનાત્મક પળોને જીવંત બનાવી દે છે. આ કારણે ટ્રેન માત્ર વાહન નથી પરંતુ જીવનની સુંદર સ્મૃતિઓને જોડતી એક ખાસ કડી બની જાય છે. ટ્રેનની મુસાફરીમાં જ્યારે ટ્રેન કોઈ યાર્ડ પાસેથી પસાર થાય ત્યારે ટ્રેનના એવા ખાલી ડબ્બા જોવા મળે છે જે ક્યારેય ઉપયોગમાં નહીં લેવાય. એ ડબ્બાઓની લગભગ હવે કોઈને જરૂર નથી. જોકે રેલવેનાં એક મહિલા અધિકારીને ટ્રેનના એમ જ પડેલા કોચને જીવંત કરવાનો વિચાર આવ્યો. તેમણે આ ડબ્બાને એવી રીતે જીવંત કર્યો છે કે હજારો રેલવે કર્મચારીઓ પોતાના જીવનને વધુ જીવંત બનાવી શકે. એટલે કે ‘રુદ્ર’ જેને હાલ હૉસ્પિટલ ઑન ધ વ્હીલ એટલે કે ‘ચાલતી હૉસ્પિટલ’ તરીકે ઓળખવામાં આવી રહી છે એ સામાન્ય ટ્રેન કોચ નથી, એ એક ચાલતી જીવનરેખા છે. 3AC કોચમાં આવેલી આ મોબાઇલ હૉસ્પિટલ દર ૧૫ દિવસે દુરસ્ત રેલવે વિભાગોમાં ફરીને એવા કર્મચારીઓને મહત્ત્વપૂર્ણ તબીબી સેવા પહોંચાડે છે જેમને ઘણી વાર અન્ય ક્યાંય સારવાર ઉપલબ્ધ નથી.
‘હૉસ્પિટલ ઑન ધ વ્હીલ’ પાછળના વ્યક્તિત્વનો પરિચય
ઇતિ પાંડે પ્રતિષ્ઠિત અને અનુભવી ભારતીય રેલવે અધિકારી છે જેઓ ઇન્ડિયન રેલવે ટ્રાફિક સર્વિસ (IRTS)નાં સિનિયર સભ્ય છે. તેમણે તેમની કારકિર્દીમાં વિવિધ મહત્ત્વપૂર્ણ પદો પર કામ કર્યું છે. એમાંય ખાસ કરીને ભુસાવળ ડિવિઝનમાં ડિવિઝનલ રેલવે મૅનેજર (DRM) તરીકે તેમની નિમણૂક નોંધપાત્ર રહી છે, જ્યાં તેઓ આ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા બન્યાં હતાં. તેમના નેતૃત્વ હેઠળ ‘રુદ્ર’ નામની મોબાઇલ હૉસ્પિટલ ટ્રેન કોચ જેવી મેડિકલ સુવિધા શરૂ કરવામાં આવી, જેમાં રેલવેના જૂના કોચને આધુનિક તબીબી સુવિધાઓ સાથે સજ્જ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. હાલમાં તેઓ સાઉથ સેન્ટ્રલ રેલવેમાં પ્રિન્સિપલ ચીફ કમર્શિયલ મૅનેજર (PCCM) તરીકે કાર્યરત છે. અહીં તેઓ મુસાફરોની સુવિધા, ફ્રેટ વ્યવસાય, આવકવધારો અને રેલવેની વ્યાપારી નીતિઓને સંચાલિત કરે છે. તેમના ઉત્તમ કાર્ય માટે તેમને મિનિસ્ટ્રી ઑફ રેલવે અવૉર્ડ ફૉર એક્સલન્સ, જનરલ મૅનેજર અવૉર્ડ તેમ જ વુમન અચીવર્સ અવૉર્ડ જેવાં અનેક સન્માનો મળ્યાં છે અને તેઓ ૨૦૨૪ના ટોચના બ્યુરોક્રેટિક ચેન્જમેકર્સમાં પણ સ્થાન પામ્યાં છે. તેઓ ‘Riding the Freight Train’ નામના પુસ્તકનાં લેખિકા પણ છે જેમાં રેલવેનાં ફ્રેટ ઑપરેશન્સ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત તેઓ પ્રતિભાશાળી મૅરથૉન રનર છે અને દક્ષિણ આફ્રિકામાં યોજાતી ૮૮ કિલોમીટરની કઠિન કૉમરેડ્સ મૅરથૉન સફળતાપૂર્વક પૂરી કરી છે. આ જ પ્રતિભાએ રેલવે કર્મચારીઓ માટે ભુસાવળ ડિવિઝનમાં ટ્રેન હૉસ્પિટલ બનાવવા પાછળ મહેનત કરી છે. જાણીએ કેવી રીતે આ શક્ય બન્યું.
કેવી રીતે આવ્યો ચાલતી હૉસ્પિટલનો વિચાર?
૨૫,૦૦૦થી વધુ રેલવે-કર્મચારીઓ અને તેમના પરિવારજનો દૂર-દૂરના વિસ્તારોમાં ફેલાયેલા હોવાથી ઘણા લોકોને જરૂરી આરોગ્યસેવા અથવા સમયસર નિદાન મળતું નહોતું જેને કારણે તેમની તબિયત વધુ ખરાબ થતી હતી. આ વિસ્તારો દૂર હોવાથી અને તબીબી નિષ્ણાતોની અછતને કારણે સમસ્યાઓ વધુ ગંભીર બનતી હતી. રેલવે-કર્મચારીઓ કઠિન પરિસ્થિતિઓમાં કામ કરે છે અને ઘણા લોકો ચાલીસગાંવ, મુર્તિજાપુર અને બડનેરા જેવા એકાંત વિસ્તારોમાં રહે છે. તેમને તબીબી મદદ મેળવવી મુશ્કેલ બને છે કારણ કે ભુસાવળસ્થિત ડિવિઝનલ રેલવે હૉસ્પિટલ સુધી તેમણે જવું પડે છે જે સમય માગી લે છે. ખાસ કરીને ટ્રૅક પર કામ કરતા ઘણા કર્મચારીઓને ઈજા થાય છે, પરંતુ એની સમયસર યોગ્ય સારવાર મળતી નથી જેને કારણે લાંબા ગાળાની આરોગ્ય-સમસ્યાઓ ઊભી થાય છે. એને યોગ્ય સારવારથી સરળતાથી અટકાવી શકાય છે. આવાં જ તથ્યોએ સિનિયર અધિકારી ઇતિ પાંડેને ‘ચાલતી હૉસ્પિટલ’નો વિચાર આપ્યો. હાલ ‘રુદ્ર’, જેને ‘ચાલતી હૉસ્પિટલ’ તરીકે ઓળખવામાં આવે છે એ ટ્રેનનો સામાન્ય કોચ નથી, એ એક ચાલતી જીવનરેખા છે. 3AC કોચમાં આવેલી આ મોબાઇલ હૉસ્પિટલ દર ૧૫ દિવસે દૂરના રેલવે વિભાગોમાં ફરીને એવા કર્મચારીઓને મહત્ત્વપૂર્ણ તબીબી સેવા પહોંચાડે છે જેમને ઘણી વાર ક્યાંયથી મદદ મળતી નથી. આરોગ્ય-તપાસથી લઈને નિષ્ણાતોની સલાહ સુધી તે ટ્રૅક પર સતત મહેનત કરતા કર્મચારીઓને જ્યાં તેઓ છે ત્યાં જ યોગ્ય આરોગ્યસેવા પહોંચાડે છે. આજ સુધીમાં હજારો રેલવે-કર્મચારીઓ અને તેમના પરિવારોને આ સુવિધાનો લાભ અને ફાયદા મળી ચૂક્યા છે.
જેમના નેતૃત્વ હેઠળ રુદ્ર નામની મોબાઇલ હૉસ્પિટલ ટ્રેન કોચ જેવી અનોખી મેડિકલ સુવિધા શરૂ કરવામાં આવી છે એ ઇતિ પાંડે
કોચના ટ્રાન્સફૉર્મેશનની કહાની
કોઈ પણ કાર્ય સરળ નથી હોતું. તમે ઘરના પૈસે પણ સમાજસેવા કરવા ઇચ્છો તો સરકાર પાસેથી પરમિશન લેવી પડતી હોય છે. ટ્રેનના એમ જ પડેલા કોચને મેકૅનિકલ વિભાગ પાસેથી મેળવવાનું કામ પણ આ પહેલ માટે પડકારજનક રહ્યું હતું. કારણ કે આ કોચ ઇમર્જન્સી માટે મહત્ત્વપૂર્ણ હોય છે. કર્મચારીઓના આરોગ્ય પર લાંબા ગાળાની સકારાત્મક અસરનો પ્રસ્તાવ રજૂ કરીને તેમને સમજાવ્યા તો આ કામ માટે આગળ મંજૂરી મળી. મંજૂરી મળ્યા બાદ મુંબઈના માટુંગા સેન્ટ્રલ રેલવે વર્કશૉપમાંથી એક જૂનો કોચ ભુસાવળ મોકલવામાં આવ્યો. ત્યાર બાદ એને સંપૂર્ણ કાર્યક્ષમ મોબાઇલ મેડિકલ યુનિટમાં રૂપાંતરિત કરવાનો હતો. ભુસાવળના કુશળ વર્કશૉપ સ્ટાફે અવિરત મહેનત કરીને એમાં તમામ જરૂરી તબીબી સુવિધાઓ સ્થાપિત કરી, જેથી એ જ્યાં જરૂર હોય ત્યાં આરોગ્યસેવા આપી શકે. કોચને સંપૂર્ણપણે ખાલી કરીને એની ફ્રેમ સુધ્ધાં ઉતારી દેવાઈ. ત્યાર બાદ એમાં પાર્ટિશન, લાકડાનું પૅનલિંગ અને નવું ફ્લોરિંગ લગાવવામાં આવ્યું. એમાં ECG મશીન, બ્લડ કલેક્શન સુવિધા અને જનરલ કન્સલ્ટેશન યુનિટ જેવી તમામ આવશ્યક તબીબી સુવિધાઓ ઉમેરવામાં આવી. ઉપરાંત મહિલાઓની ગાયનેકોલૉજિકલ તપાસ માટે ખાસ ટેબલ પણ રાખવામાં આવ્યું. એમાં પણ આ પ્રોજેક્ટ વધારાના ખર્ચ વગર અસરકારક રીતે ચલાવવાનો હતો. તેથી જે ઉપલબ્ધ સંસાધનો હતાં એનો ઉપયોગ કરવામાં આવ્યો. આ મોબાઇલ હૉસ્પિટલ માત્ર તાત્કાલિક સારવાર આપવા માટે જ નહીં પરંતુ સારવાર સુનિશ્ચિત કરવા માટે પણ ડિઝાઇન કરવામાં આવી છે. રુદ્ર ટીમ દ્વારા તપાસ કરાયેલા દરેક દરદીને એક ID આપવામાં આવે છે જેથી તેઓ ભુસાવળની ડિવિઝનલ રેલવે હૉસ્પિટલમાં અથવા આગામી કૅમ્પમાં આગળની સારવાર મેળવી શકે. આ વ્યવસ્થા ખાતરી આપે છે કે કોઈ પણ દરદીને અવગણવામાં ન આવે અને દરેકને સમયસર જરૂરી સારવાર મળી રહે.
ટ્રેનના કોચને હૉસ્પિટલમાં તબદીલ કરવામાં આવ્યો અને એમાં ECG મશીન, બ્લડ કલેક્શન સુવિધા અને જનરલ કન્સલ્ટેશન યુનિટ જેવી તમામ આવશ્યક તબીબી સુવિધાઓ ઉમેરાઈ છે.