12 May, 2025 06:59 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ભારતીય સેનાએ જાહેર કરેલી તસવીરો (X)
ભારતે પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ સામે કરેલી ઓપેરેશન સિંદૂરની કાર્યવાહીના યુદ્ધબંધી બાદ રવિવારે સાંજે ભારતની તમામ સશસ્ત્ર દળો આર્મી, નેવી અને ઍર ફોર્સના ટોચના અધિકારીઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સત્તાવાર રીતે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK)માં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જે પહલગામ આતંકવાદી હુમલા જેમાં 25 ભારતીયો અને 1 નેપાળી નાગરિકનું મોત થયું હતું તેની સામે ભારતનો જવાબ હતો.
મીડિયાને સંબોધતા, DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે, "ઓપરેશન સિંદૂર આતંકવાદના ગુનેગારો અને આયોજકોને સજા આપવા અને તેમના આતંકવાદી માળખાને નષ્ટ કરવાના સ્પષ્ટ લશ્કરી ઉદ્દેશ્ય સાથે કલ્પના કરવામાં આવ્યું હતું. હું અહીં જે વાત નથી જણાવતો તે ભારતની વારંવાર જણાવેલી નિશ્ચય અને આતંકવાદ પ્રત્યેની તેની અસહિષ્ણુતા છે." જો પાકિસ્તાન સીમા વિસ્તાર પર કોઈપણ ગોળીબાર કે હુમલો કરે છે તો તેને કડક જવાબ આપવામાં આવશે.
ભારતીય લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે 7 મેના રોજ વહેલી સવારે કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર દરમિયાન નવ આતંકવાદી સ્થળો પર થયેલા હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદાસિર અહેમદ જેવા ઉચ્ચ-મૂલ્ય ધરાવતા ટાર્ગેટનો સમાવેશ થાય છે. ભારતે કહ્યું કે 7 મે થી 10 મે દરમિયાન ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની સેનાએ 35 થી 40 જવાનો ગુમાવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ભારતીય સશસ્ત્ર દળોએ નાશ પામેલા આતંકવાદી છાવણીઓ અને અન્ય ટાર્ગેટની તસવીરો જાહેર કરી છે.
વાઇસ એડમિરલ એએન પ્રમોદે જણાવ્યું હતું કે 22 એપ્રિલ પછી ભારતીય સંરક્ષણ દળોના સંયુક્ત ઓપરેશન પ્લાન સાથે સંપૂર્ણ લડાઇ તૈયારી સાથે નૌકાદળના કેરિયર બેટલ ગ્રુપ (સીબીજી), સપાટી દળો, સબમરીન અને ઉડ્ડયન સંપત્તિઓને તાત્કાલિક સમુદ્રમાં તૈનાત કરવામાં આવી હતી. ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, ડાયરેક્ટર જનરલ એર ઓપરેશન્સ એર માર્શલ એકે ભારતી, ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ વાઇસ એડમિરલ એએન પ્રમોદ અને ડાયરેક્ટર જનરલ ડિરેક્ટોરેટ જનરલ ઑફ પબ્લિક ઇન્ફર્મેશન મેજર જનરલ એસએસ શારદાએ નવી દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે ઓપરેશન સિંદૂર વિશે મીડિયાને માહિતી આપી હતી. આ સાથે પાકિસ્તાનના 30 થી 40 સૈનિકો માર્યા ગયા હોવાના પણ અહેવાલ છે.
ભારતીય સેના દ્વારા તેમના તમામ ઓપરેશનની તસવીરો અને અને વીડિયો જાહેર કરી છે. આ તસવીરો સેટેલાઈટને આજે જાહેર કરવામાં આવી હતી. આ તસવીરો હુમલા પહેલા પાકિસ્તાન અને PoKમાં સ્થિત આતંકવાદીઓના ઠેકાણા અને પાક સેનાના રનવે પર હૂલ બાદ થયેલા નુકસાનની છે.