03 July, 2026 09:18 AM IST | himachal pradesh | Gujarati Mid-day Correspondent
અકસ્માતગ્રસ્ત વાહન
હિમાચલ પ્રદેશની પ્રખ્યાત અટલ ટનલની બહાર બુધવારે રાત્રે એક અત્યંત ભયાનક માર્ગ-અકસ્માત થયો હતો. રાત્રે આશરે ૯ વાગ્યે પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્કૉર્પિયો ગાડી જેવી ટનલની બહાર નીકળી કે અચાનક ડ્રાઇવરે સ્ટીઅરિંગ વ્હીલ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ગાડીની સ્પીડ એટલી વધારે હતી કે એ રસ્તા કિનારે લગાવેલાં બૅરિકેડ્સ તોડીને સીધી નીચે નિર્માણ પામી રહેલા એક માળખાના પિલર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ ટક્કર એટલી જોરદાર હતી કે પિલરમાંથી બહાર નીકળેલા લોખંડના અણીદાર સળિયા આખી સ્કૉર્પિયો ગાડીને ચીરીને એની અંદર સુધી ઘૂસી ગયા હતા, જેને કારણે ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં વાહનમાં સવાર રાજસ્થાનના રહેવાસી યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે તેની સાથે પ્રવાસ કરી રહેલા ઉત્તર પ્રદેશના તેના ૩ મિત્રો ગંભીર ઘાયલ થયા હતા.