28 April, 2026 08:31 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કાનૂની નિષ્ણાતોનો મત છે કે અરવિંદ કેજરીવાલ દ્વારા હાજર ન રહેવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને તેમની સામે વૉરન્ટ જાહેર થઈ શકે છે.
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે એક વિડિયો જાહેર કરીને કહ્યું હતું કે ‘હું લિકર પૉલિસી સ્કૅમના કેસમાં હાઈ કોર્ટમાં રૂબરૂ હાજર થઈશ નહીં અને મારા વતી કોઈ દલીલ કરાશે નહીં. હાઈ કોર્ટનાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પાસેથી ન્યાય મળવાની કોઈ આશા નથી.’
જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા એક્સાઇઝ પૉલિસી કેસમાં કેજરીવાલના નિર્દોષ છુટકારાને પડકારતી અરજીની સુનાવણી કરી રહ્યાં છે. જસ્ટિસ શર્માને પત્ર લખીને કેજરીવાલે કહ્યું કે મેં ન્યાય આપવાની તમારી ક્ષમતા પર વિશ્વાસ ગુમાવી દીધો છે.
કેજરીવાલે ન્યાયાધીશ પર હિતોના સંઘર્ષનો આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર સાથે પૅનલ-વકીલ તરીકે કામ કરતા ન્યાયાધીશ શર્માનાં બાળકો સૉલિસિટર જનરલ તુષાર મહેતા સાથે વ્યાવસાયિક સંબંધો ધરાવે છે, જે આ કેસમાં તેમની સામે હાજર રહી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે ન્યાયાધીશ સ્વર્ણકાન્તાને એક પત્ર પણ લખ્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે ‘મેં મારા અંતરાત્માના અવાજને અનુસરીને મહાત્મા ગાંધીના સત્યાગ્રહના માર્ગને અનુસરવાનું નક્કી કર્યું છે. આનું કારણ એ છે કે ન્યાયાધીશ સ્વર્ણકાન્તાનાં બન્ને બાળકો કેન્દ્ર સરકારના વકીલોની પૅનલનો ભાગ છે. આ સ્પષ્ટપણે હિતોના સંઘર્ષને દર્શાવે છે. સૉલિસિટર જનરલ તુષાર મહેતા બન્ને બાળકોને કેસ સોંપે છે. તેમના પુત્રને ૨૦૨૩ અને ૨૦૨૫ વચ્ચે આશરે ૫૯૦૪ કેસ મળ્યા છે. જો સૉલિસિટર જનરલ ન્યાયાધીશનાં બાળકોનું ભવિષ્ય નક્કી કરી રહ્યા હોય તો શું ન્યાયાધીશ તેમની વિરુદ્ધ ચુકાદો આપી શકશે? મેં મારા કાનૂની વિકલ્પો પણ ખુલ્લા રાખ્યા છે. હું ન્યાયાધીશ સ્વર્ણકાંતાના ચુકાદા સામે અપીલ કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાનો અધિકાર અનામત રાખું છું.’