હિમાચલ એક્સપ્રેસના AC ફર્સ્ટ ક્લાસમાંથી પચીસેક લાખ રૂપિયાનો સામાન ચોરાયો

21 August, 2025 11:35 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

સચિન જૈને નોંધાવેલી ફરિયાદમાં ડઝનથી વધુ અન્ય મુસાફરોને લૂંટવાનો પણ ઉલ્લેખ છે. તમામ સામાનની કિંમત મળીને કુલ ૨૦થી ૨૫ લાખ રૂપિયાનો સામાન ચોરી થયો હતો

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડાના રહેવાસી સચિન જૈન બીજી ઑગસ્ટે હિમાચલ એક્સપ્રેસના AC ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે રાતે ૨.૩૦ વાગ્યે કેટલાક લોકો ટ્રેનમાં ઘૂસી ગયા હતા અને તેમનો કીમતી સામાન લૂંટી લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે આઘાતજનક વાત એ છે કે કોચમાં કોઈ TTE (ટ્રેન ટિકિટ એક્ઝામિનર) કે RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) કર્મચારી હાજર નહોતા. બદમાશોના એક જૂથે ટ્રેનમાં મુક્તપણે ફરતા રહીને અનેક મુસાફરોનો સામાન લૂંટ્યો હતો. મેં વ્યક્તિગત રીતે ૬૦,૦૦૦ રૂપિયાની કિંમતનું લૅપટૉપ અને ચાર્જર ધરાવતી ભૂરા રંગની લૅપટૉપ-બૅગ ગુમાવી હતી. એમાં ક્રિટિકલ બિઝનેસ ડેટા, ૨,૧૯,૦૦૦ રૂપિયાની રોકડ, ૧૪,૦૦૦ રૂપિયાનાં ચશ્માં, પેનડ્રાઇવ, પાવર-બૅન્ક વગેરેનો સમાવેશ થતો હતો.

સચિન જૈને નોંધાવેલી ફરિયાદમાં ડઝનથી વધુ અન્ય મુસાફરોને લૂંટવાનો પણ ઉલ્લેખ છે. તમામ સામાનની કિંમત મળીને કુલ ૨૦થી ૨૫ લાખ રૂપિયાનો સામાન ચોરી થયો હતો. એક મહિલા મુસાફરની કીમતી ઘરેણાંવાળી બૅગ ખોવાઈ ગઈ હતી, જ્યારે અન્ય ઘણા લોકોએ મોબાઇલ ફોન સહિતની વસ્તુઓ ગુમાવી દીધી હતી.

રેલવેની બેદરકારી કે ભાગીદારી?

હરિયાણાના કુરુક્ષેત્ર અને પાણીપત ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોના ઍર-ક​ન્ડિશન્ડ (AC) ફર્સ્ટ ક્લાસ કોચમાં વારંવાર ચોરી થાય છે. કુરુક્ષેત્ર, કરનાલ અને પાણીપત વચ્ચે ટ્રેનોમાં ગુનેગારોની એક સુસંગઠિત ટોળકી કામ કરે છે અને રેલવેની વ્યવસ્થિત બેદરકારી વચ્ચે મુસાફરોની કીમતી વસ્તુઓ લૂંટે છે.

uttar pradesh railway protection force indian railways crime news national news news