06 May, 2025 01:47 PM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
કેમ્પ્ટી ફૉલ્સ
ઉત્તરાખંડમાં મસૂરી અને આસપાસ થયેલા મુશળધાર વરસાદને કારણે સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ કેમ્પ્ટી ફૉલ્સમાં રવિવારે અચાનક જળસ્તર વધી જતાં એનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું અને ફૉલ્સ જોવા આવેલા ટૂરિસ્ટો અને સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. સામાન્ય રીતે ઝરણારૂપે પાણી પડતું હોય છે, પણ રવિવારે અહીં પ્રચંડ વેગથી પાણી ધસમસતું આવી રહ્યું હતું જે ફૉલ્સની આસપાસ આવેલી દુકાનોમાં ઘૂસી ગયું હતું. પાણી સાથે ભારે માત્રામાં કચરો અને ઝાડની ડાળીઓ પણ તણાઈ આવી હતી. આ સમયે ઘણા ટૂરિસ્ટો ત્યાં ઉપસ્થિત હતા અને તેઓ ગભરાઈ ગયા હતા. સ્થાનિક પોલીસે તત્પરતા દર્શાવીને તેમને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. બે કલાકમાં પરિસ્થિતિ સામાન્ય થઈ હતી. આ ઘટનાનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો.