25 May, 2025 10:54 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
રામચંદ્ર જાંગરા
હરિયાણાના ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના સંસદસભ્ય રામચંદ્ર જાંગરાએ પહલગામ આતંકવાદી હુમલા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘પહલગામમાં આપણી જે બહેનોના સિંદૂર ઉજાડવામાં આવ્યા હતા એ મહિલાઓમાં વીરાંગનાઓ જેવો જુસ્સો અને ભાવના નહોતી. જો તેમણે અહિલ્યાબાઈનો ઇતિહાસ વાંચ્યો હોત તો તેમની સામે તેમના પતિને કોઈ આ રીતે ગોળી મારી શક્યું ન હોત. ભલે તે શહીદ થઈ જતી, પરંતુ વીરાંગનાઓની જેમ લડીને. તેમનામાં વીરાંગના જેવો જોશ, જુસ્સો જ નહોતો, આથી તેઓ હાથ જોડીને ઊભી રહી ગઈ અને પતિ ગોળીનો શિકાર બન્યા.’
શનિવારે ભિવાનીના પંચાયત ભવનમાં આયોજિત અહિલ્યાબાઈ હોળકર ત્રિશતાબ્દી સ્મૃતિ અભિયાન જિલ્લા સેમિનાર કાર્યક્રમને સંબોધિત કરતાં રામચંદ્ર જાંગરાએ કહ્યું હતું કે ‘જો પ્રવાસીઓએ આતંકવાદીઓ સામે હાથ જોડ્યા ન હોત તો આટલા બધા ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા ન હોત. જે સમયે લોકોની હત્યા થઈ રહી હતી એ સમયે તેમની પત્ની કે આપણી વીરાંગના બહેનોમાં જુસ્સો જોવા નહોતો મળ્યો, તેમનામાં બહાદુરીનો અભાવ હતો. તેઓ હાથ જોડીને ઊભી રહી અને પતિને ગુમાવ્યા. જો તેમણે હુમલો કરવા આવેલા ત્રણ આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા હોત તો વધુ ને વધુ પાંચથી છ લોકો માર્યા જાત, પણ સાથોસાથ આતંકવાદીઓનો પણ સફાયો થયો હોત.’