પહેલા નોરતે પૂરા થશે ઓરતા

26 August, 2025 07:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નવા GST દર બાવીસમી સપ્ટેમ્બરે લાગુ થવાની શક્યતા: GST કાઉન્સિલની ૩ અને ૪ સપ્ટેમ્બરે દિલ્હીમાં બેઠક, પ્રસ્તાવિત બે માળખાના ટૅક્સ-સ્લૅબ પર ચર્ચા થશે

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)

નાણાપ્રધાન નિર્મલા સીતારમણના નેતૃત્વ હેઠળ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કાઉન્સિલ બાવીસમી સપ્ટેમ્બરની આસપાસ નવા GST-સ્લૅબ લાગુ કરશે એવી સંભાવના છે. આ મુદ્દે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે નવા GST દરોનો અમલ નવરાત્રિની ઉજવણી દરમ્યાન થવાની ધારણા છે.

કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત પાંચ ટકા અને ૧૮ ટકાના સરળ બે માળખાવાળા GST ટૅક્સ-સ્લૅબ પર ચર્ચા કરવા માટે આ GST કાઉન્સિલ ૩ અને ૪ સપ્ટેમ્બરે દિલ્હીમાં મળશે. સૂત્રો જણાવે છે કે GST કાઉન્સિલના નિર્ણયના લગભગ પાંચથી સાત દિવસ પછી નવા દર લાગુ થશે.

કેન્દ્ર સરકાર ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાપ્રધાનોનો સમાવેશ કરતી આ કાઉન્સિલ રેટ રૅશનલાઇઝેશન, કમ્પન્સેશન સેસ અને આરોગ્ય તથા જીવનવીમા વિશે પ્રધાનોના જૂથ દ્વારા કરવામાં આવેલી ભલામણો પર ચર્ચા કરશે. રાજ્યપ્રધાનોનો સમાવેશ કરતા ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની બેઠક આ અઠવાડિયાની શરૂઆતમાં મળી હતી અને તેમણે GST માટેના બે સ્લૅબના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

પ્રસ્તાવિત સુધારા પ્રમાણે GST દર પાંચ અને ૧૮ ટકા એમ બે સ્લૅબમાં રહેશે. માલ અને સેવાઓને મેરિટ અને સ્ટાન્ડર્ડ એમ બે કૅટેગરીમાં ક્લાસિફાય કરવામાં આવશે.

GST 2.0 : ભારતની આગામી પેઢીના કર સુધારા

હાલમાં GSTમાં પાંચ, ૧૨, ૧૮ અને ૨૮ ટકા એમ ચાર સ્લૅબ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઑગસ્ટે સ્વતંત્રતાદિવસે હાલના કર-દરોને તર્કસંગત બનાવવા માટે આગામી પેઢીના GST સુધારાની જાહેરાત કરી હતી. ૨૦૧૭માં દેશમાં GST લાગુ કરવામાં આવ્યો હતો અને હવે એમાં સૌથી મહત્ત્વપૂર્ણ સુધારો થવાનો છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નવા સુધારામાં સામાન્ય માણસ, ખેડૂતો, મધ્યમ વર્ગ અને નાના ઉદ્યોગોને રાહત આપવા માટે આ સુધારા કરવામાં આવશે.

40 અલ્ટ્રા-લક્ઝરી કાર જેવી કેટલીક વિશેષ ચીજવસ્તુઓ પર આટલા ટકાનો ખાસ દર લાદવામાં આવશે.

nirmala sitharaman goods and services tax finance news finance ministry navratri festivals delhi news national news news health insurance