05 August, 2025 01:32 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ રેસ્ટોરાં, કૅફે, ઢાબા અને ખાણીપીણી સહિત તમામ ફૂડ બિઝનેસ ઑપરેટરો માટે તેમના પરિસરમાં ફૂડ સેફ્ટી કનેક્ટ ઍપ સાથે જોડાયેલો ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ સ્પષ્ટપણે પ્રદર્શિત કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આનાથી ગ્રાહકો સરળતાથી ખાદ્ય સુરક્ષા, સ્વચ્છતા અને ગેરમાર્ગે દોરતાં લેબલો વિશે ફરિયાદ નોંધાવી શકે છે.
FSSAIએ રેસ્ટોરાં, ઢાબા, કૅફે અને ફૂડ શૉપ જેવા તમામ ફૂડ બિઝનેસ ઑપરેટરોને સૂચના આપી છે કે તેઓ ગ્રાહકોને દેખાતી જગ્યાએ તેમનાં FSSAI લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મૂકે, જેથી ગ્રાહકો ગંદકી કે ફૂડ-સમસ્યાઓ વિશે ફરિયાદ કરી શકે. મોબાઇલ-ઍપનો QR કોડ એન્ટ્રી ગેટ, બિલિંગ કાઉન્ટર અથવા સિટિંગ એરિયામાં મૂકવો જોઈએ જેથી ગ્રાહકો એને સરળતાથી જોઈ શકે.
ઑનલાઇન ફૂડ ડિલિવરી પ્લૅટફૉર્મ અને રેસ્ટોરાંની વેબસાઇટ પર આ QR કોડ અથવા ઍપ્લિકેશનની ડાઉનલોડ લિન્ક મૂકવી જરૂરી રહેશે. એને કારણે હવે ગ્રાહકો માત્ર ફરિયાદ નહીં કરી શકશે, સાથે એ પણ જાણી શકશે કે સંબંધિત દુકાન કે હોટેલ FSSAI દ્વારા લાઇસન્સપ્રાપ્ત છે કે નહીં.