12 July, 2023 10:17 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફૉક્સકૉન
ફૉક્સકૉને કહ્યું હતું કે એ ભારતમાં ચિપ મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રમાં રોકાણ કરવાની ઇચ્છા ધરાવે છે. તાઇવાનની કંપનીએ સોમવારે અનિલ અગરવાલના વેદાંતા ગ્રુપ સાથે પોતાના જૉઇન્ટ વેન્ચરની ભાગીદારીમાંથી નીકળવાની ઘોષણા કરી હતી, પરંતુ ગઈ કાલે કહ્યું હતું કે વેદાંતાથી અલગ થવા છતાં હજી પણ એ ભારતમાં રોકાણ કરવા માગે છે. ભારત સરકાર દ્વારા ચિપ ઉત્પાદન માટે આપવામાં આવનારાં પ્રોત્સાહનો માટે અલગથી ઍપ્લિકેશન આપવાની યોજના બનાવી રહી છે.
નવો પાર્ટનર શોધશે
ફૉક્સકૉને કહ્યું હતું કે ‘કંપની કોઈ નવા પાર્ટનર સાથે સમજૂતી કરી શકે છે. આ નવો પાર્ટનર ભારતીય કે વિદેશી કોઈ પણ હોઈ શકે છે. ભારત સરકારના મૉડિફાઇડ પ્રોગ્રામ ફૉર સેમીકન્ડક્ટર્સ ઍન્ડ ડિસ્પલે ફેબ ઇકોસિસ્ટમ અન્વયે એક નવી ઍપ્લિકેશન આપવાની તૈયારી કરી રહી છે. એને ભારતમાં એક મજબૂત સેમીકન્ડક્ટર મૅન્યુફૅક્ચરિંગ ઇકોસિસ્ટમની સ્થાપનામાં પૂરો ભરોસો છે. જોકે એમાં સમય લાગશે. ફૉક્સકૉને ભારતમાં ૨૦૦૬માં કામ કરવાનું શરૂ કર્યું હતું. ભારતમાં સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી હજી શરૂઆતના તબક્કામાં છે. ફૉક્સકૉન એના વિકાસની સાથે આગળ વધવા માગે છે.
ગુજરાતમાં શરૂ થવાનો હતો પ્લાન્ટ
ગુજરાતમાં જૉઇન્ટ વેન્ચરમાં શરૂ થનારા પ્લાન્ટમાં ૧.૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાનું હતું, પરંતુ સોમવારે સંયુક્ત સાહસ રદ કરવાની ઘોષણા થતાં દેશને સેમીકન્ડક્ટર ચિપનું હબ બનાવવાના મોદી સરકારના પ્રયાસને ઝાટકો લાગ્યો હતો. જોકે ફૉક્સકૉનનું તાજેતરનું નિવેદન રાહત આપનારું છે. ઇલેક્ટ્રૉનિક્સ અને આઇટીના કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘ફૉક્સકૉન અને વેદાંતા આ બન્ને કંપનીઓ ભારતમાં સેમીકન્ડક્ટર બનાવવાની યોજનામાં આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે.’ ઇલેક્ટ્રૉનિક્સ અને આઇટીના રાજ્ય કક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે ‘જૉઇન્ટ વેન્ચર રદ થવાથી ભારતમાં સેમીકન્ડક્ટર નિર્માણને પ્રોત્સાહન આપવાના લક્ષ્યાંક પર કોઈ અસર નહીં પડે, કારણ કે બન્ને કંપનીઓ પાસે સેમીકન્ડક્ટર નિર્માણનો અગાઉનો કોઈ અનુભવ નહોતો અને ફેબ્રિકેશન ટેક્નૉલૉજી માટે કોઈ ત્રીજો ટેક પાર્ટનર શોધવાનો હતો.’