16 September, 2026 11:43 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ IPS ઑફિસર રાજેશ પાંડે
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા વહીવટી વ્યવસ્થા માટે ભૂતપૂર્વ ઍર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેમણે પોતાનો કાર્યભાર પણ સંભાળી લીધો છે. જોકે આ નિમણૂક સામે ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ના ભૂતપૂર્વ અધિકારી રાજેશ પાંડેએ સવાલો ઉઠાવ્યા છે.
એક ઇન્ટરવ્યુમાં રાજેશ પાંડેએ જણાવ્યું હતું કે ‘CEOના પદ માટે દેશભરમાંથી આવેલી ૫૫૮૫ અરજીઓમાંથી માત્ર ૧૬ ઉમેદવારોને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આ ૧૬ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવાયા હતા, પરંતુ ભૂતપૂર્વ ઍર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ એ ઇન્ટરવ્યુ આપ્યો જ નહોતો. આમ છતાં તેમને આ પદ પર કેવી રીતે પસંદ કરવામાં આવ્યા એ એક મોટું રહસ્ય છે.’
શૉર્ટલિસ્ટ થયેલા ૧૬ ઉમેદવારોમાં રાજેશ પાંડે અને ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)ના ભૂતપૂર્વ અધિકારી યોગેશ્વર મિશ્રાનાં નામ મોખરે હતાં અને રાજેશ પાંડેની પસંદગી લગભગ નક્કી જ મનાતી હતી. રાજેશ પાંડેએ દાવો કર્યો હતો કે તેઓ CEO બનવાના જ હતા, પરંતુ અચાનક શું થયું એ માત્ર ટ્રસ્ટના લોકો જ જણાવી શકે છે. ઉલ્લેખનીય છે કે જિતેન્દ્ર મિશ્રા એકમાત્ર એવા એન્જિનિયર હતા જેમણે રામ મંદિરના નિર્માણ દરમ્યાન રજા લઈને ત્યાં સેવા આપી હતી.