ઓમિક્રોન વેરિયન્ટની પહેલી તસવીર આવી સામે, ડેલ્ટા કરતાં પણ વધારે મ્યુટેશન્સ છે આ વેરિયન્ટમાં

29 November, 2021 12:09 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

દુનિયાભરમાં ફરી વાર ચિંતાની સ્થિતિ ઉભી કરનાર વેરિયન્ટ ઓમિક્રોનની પહેલી તસવીર સામે આવી છે.

પ્રતીકાત્મક તસવીર

ઈટાલીના રિસર્ચર્સએ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron)ની પહેલી તસવીર જાહેર કરી છે. આ તસવીર એ વાતની પુષ્ટી કરે છે કે નવો સ્ટ્રેન મુળ કોરોના વાયરસનું પરિવર્તિત રૂપ છે. ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીમાં ઓમિક્રોનમાં ખુબ વધારે મ્યુટેશન્સ જોવા મળી રહ્યાં છે. જો કે, ખળભળાટ મચાવતો આ વેરિઅન્ટ કેટલો ઘાતકી અને કેટલો વધુ સંક્રામક છે તેની વધારે માહિતી જાણી મળી શકી નથી. 

બેબી જીસસ પેડિયાટ્રિક હોસ્પિટલ (Bambino Gesù Children`s Hospital)એ આ ફોટો જાહેર કર્યો છે. તે ડાબી બાજુએ ડેલ્ટા વેરિઅન્ટનું સ્પાઇક પ્રોટીન અને જમણી બાજુએ ઓમેક્રોનનું પ્રોટીન દર્શાવે છે. સંશોધકોના મતે ઓમિક્રોનના મોટાભાગના મ્યુટેશન એ જ ભાગમાં છે જે માનવ કોષોના સંપર્કમાં આવે છે.

તસ્વીરમાં દેખાતા લાલ વર્તુળો દર્શાવે છે કે ઘણો બદલાવ આવ્યો છે. ગ્રે એરિયા એ છે જ્યાં વાયરસ તે સ્વરૂપમાં હાજર છે. સંશોધકોએ કહ્યું કે `વધુ અભ્યાસો બતાવશે કે નવો વાયરસ તટસ્થ છે, ઓછો ખતરનાક છે કે વધુ ખતરનાક છે.`

26 નવેમ્બરના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કોવિડ વેરિઅન્ટ B.1.1.529ને ઓમિક્રોન નામ આપ્યું છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો નવા પ્રકારોને સમજવા માટે ઝઝૂમી રહ્યા છે. ઇટાલિયન સંશોધકોની જેમ ડબ્લ્યુએચઓએ પણ કહ્યું કે તે હજી સ્પષ્ટ નથી કે ઓમિક્રોન અન્ય પ્રકારો કરતાં વધુ ચેપી છે કે કેમ. આ વેરિઅન્ટની ખાસિયતો બાકીના વેરિઅન્ટથી અલગ છે, આ અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી.

નવા વેરિઅન્ટ `ઓમિક્રોન`ને નિયંત્રિત કરવા માટે વિશ્વભરમાં મુસાફરી પ્રતિબંધો કડક કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારનો એક કેસ મળ્યા બાદ ઇઝરાયેલે તેના નાગરિકોને 50 આફ્રિકન દેશોમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ રવિવારે વધુ કડક દેખરેખ હેઠળ દક્ષિણ આફ્રિકાથી આવતા પ્રવાસીઓનું પરીક્ષણ કરતા જોવા મળ્યા હતા. અહીં રવિવારે દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી આવતા 14 વિદેશી પ્રવાસીઓમાંથી 2માં `ઓમિક્રોન` વેરિઅન્ટના કેસની પુષ્ટિ થઈ હતી.

ન્યૂઝીલેન્ડે જોખમને કારણે દક્ષિણ આફ્રિકાના 9 દેશોના પ્રવાસીઓના આગમન પર પ્રતિબંધની જાહેરાત કરી છે. જાપાને પણ નિયંત્રણો કડક કરવાની જાહેરાત કરી છે. થાઈલેન્ડે આફ્રિકાના 8 દેશોના પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. સિંગાપોરમાં પણ સમાન પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. તે જ સમયે દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા પ્રકારો મળ્યા બાદ પાકિસ્તાને પણ સાત દેશોની મુસાફરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. કુવૈતે 9 આફ્રિકન દેશો સાથેની સીધી ફ્લાઇટ્સ સ્થગિત કરવાનો નિર્ણય પણ લીધો છે.

national news coronavirus covid19