17 November, 2026 12:39 PM IST | Imphal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કેન્દ્ર સરકાર દ્વારા માઓવાદના ખાત્માની જાહેરાત બાદ પહેલી વાર નક્સલવિરોધી ઑપરેશન વિસ્તારમાંથી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની આખી બટૅલ્યન પાછી બોલાવવામાં આવી છે. દક્ષિણ બસ્તરના સુકમા જિલ્લામાં તહેનાત એક હજારથી વધુ જવાનો ધરાવતી આ જનરલ ડ્યુટી બટૅલ્યનને હટાવીને હવે હિંસાગ્રસ્ત મણિપુરમાં ગોઠવવાનો આદેશ અપાયો છે.
માર્ચમાં માઓવાદના અંતની સત્તાવાર જાહેરાત પછી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ના કોઈ યુનિટની આ પહેલી સંપૂર્ણ વાપસી છે. હવે આ વિસ્તારમાં સુરક્ષાની જવાબદારી સ્થાનિક પોલીસ સંભાળશે. મણિપુરમાં ત્રણ વર્ષથી ચાલી રહેલી હિંસાને કાબૂમાં લેવા અને સુરક્ષા-વ્યવસ્થા મજબૂત કરવા CRPF હેડક્વૉર્ટરે આ મોટો નિર્ણય લીધો હતો. મે ૨૦૨૩માં મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા પછી ત્યાં અગાઉથી જ કોબ્રાની બે બટૅલ્યન અને રૅપિડ ઍક્શન ફોર્સ તહેનાત છે.
છત્તીસગઢ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આ વાપસીથી સુરક્ષા-ગ્રિડમાં થોડા સમય માટે ખાલીપો આવવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે છત્તીસગઢ અને ઓડિશામાંથી વધુ ત્રણ અર્ધલશ્કરી બટૅલ્યન હટાવીને એને મણિપુર, પાકિસ્તાન અને બંગલાદેશ બૉર્ડર પર મોકલવાનો પ્રસ્તાવ પણ વિચારણા હેઠળ છે. દેશભરમાં માઓવાદી વિરોધી ઑપરેશનમાં CRPFના એક લાખથી વધુ જવાનો સામેલ હતા. હવે નક્સલગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થતાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી તબક્કાવાર રીતે સ્થાનિક પોલીસને સોંપવામાં આવી રહી છે.