ઇન્ડિયા સિમેન્ટ્સની ઑફિસ પર ઈડીની સર્ચ

02 February, 2024 09:43 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે અધિકારીઓએ જણાવ્યું હતું કે ફૉરેન એક્સચેન્જ વાયલન્સ ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે આ સર્ચ ઑપરેશન કરવામાં આવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

ચેન્નઈ (પી.ટી.આઇ.) : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા ચેન્નઈસ્થિત સિમેન્ટ મૅન્યુફૅક્ચરર ઇન્ડિયા સિમેન્ટ્સ લિમિટેડની ઑફિસ પર સર્ચ ઑપરેશન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે અધિકારીઓએ જણાવ્યું હતું કે ફૉરેન એક્સચેન્જ વાયલન્સ ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે આ સર્ચ ઑપરેશન કરવામાં આવ્યું હતું. ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ (ફેમા)ના કાયદા હેઠળ કંપનીની ચેન્નઈની બે અને દિલ્હીની એક ઑફિસ પર બુધવારે તપાસ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ઉદ્યોગપ​તિ એન. શ્રીનિવાસન ઇન્ડિયા સિમેન્ટ્સના માલિક છે, જેઓ ચેન્નઈ સુપરકિંગ્સની આઇપીએલ ટીમની મા​લિકી ધરાવે છે. શ્રીનિવાસન બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રહી ચૂક્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે તેઓ તમામ જરૂરી ફાઇલ આપીને તપાસ એજન્સીને સહયોગ કરી રહ્યા છે. 

તેમણે કહ્યું હતું કે ‘અમારી ચેન્નઈની કૉર્પોરેટ ઑફિસ પર ૩૧ જાન્યુઆરી ૨૦૨૪થી ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમ્યાન ઈડીના અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને ફેમા હેઠળ કોઈ અચોકસાઈ છે કે કેમ એની શોધખોળ ચલાવી હતી. તેમના દ્વારા માગવામાં આવેલા તમામ દસ્તાવેજ અમે તેમને પૂરા પાડ્યા હતા. અમે નથી ઇચ્છતા કે આ તપાસથી કંપનીને કોઈ પણ પ્રકારની અસર થાય.’

national news chennai directorate of enforcement