25 January, 2026 12:18 PM IST | faridabad | Gujarati Mid-day Correspondent
આરોપી પિતા કૃષ્ણ જાયસવાલ.
૪ વર્ષની વંશિકા જાયસવાલ નામની બાળકીને ૧થી ૫૦ સુધી બરાબર લખવાનું ન આવડતાં તેને ૩૧ વર્ષના પિતા કૃષ્ણ જાયસવાલે માર માર્યો હતો જેમાં આ બાળકીએ જીવ ગુમાવ્યો હતો. પિતાએ તેને વારંવાર વેલણથી માર માર્યો હતો અને તેને જમીન પર પછાડી હતી. કૃષ્ણ જાયસવાલની પત્નીએ પોલીસ-ફરિયાદ નોંધાવ્યા બાદ તેની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી.
જાયસવાલ પરિવાર ઉત્તર પ્રદેશના સોનભદ્રથી સ્થળાંતર કરીને ફરીદાબાદમાં રહેવા આવ્યો હતો અને ભાડાના મકાનમાં રહેતો હતો. આ ઘટના બુધવારે તેમના ઘરમાં બની હતી.
આ ઘટના વિશે પોલીસે જણાવ્યું હતું કે વંશિકાને માર માર્યા પછી જાયસવાલ તેને હૉસ્પિટલમાં લઈ ગયો અને પોતાની ભૂલ છુપાવવા તેણે તેની પત્ની રંજીતાને કહ્યું હતું કે વંશિકા રમતી વખતે સીડી પરથી નીચે પડી ગઈ હતી. તેમનો ૭ વર્ષનો પુત્ર ઘટના સમયે ઘરે હતો. તેણે પાછળથી તેની મમ્મીને તેની બહેનને માર મારવામાં આવ્યો હોવાની વાત જણાવી હતી. રંજીતાએ વંશિકાના શરીર પર ઈજાનાં નિશાન જોયા બાદ પોલીસને જાણ કરી હતી. વંશિકાને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પિતા સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.