24 July, 2025 07:48 AM IST | Ghaziabad | Gujarati Mid-day Correspondent
આરોપી હર્ષવર્ધન જૈન.
ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF)ના નોએડા યુનિટે ગાઝિયાબાદના એક શાંત બંગલામાંથી ચાલતા ગેરકાયદે દૂતાવાસનો પર્દાફાશ કર્યો હતો અને આરોપી હર્ષવર્ધન જૈનની ધરપકડ કરી હતી. હર્ષવર્ધન જૈન પોતાને વેસ્ટાર્ટિકા, સેબોર્ગા, લોડોનિયા નામનાં નાનાં રાષ્ટ્રોના કૉન્સલ જનરલ કે રાજદૂત ગણાવતો હતો અને રાજદ્વારી નંબર-પ્લેટવાળી લક્ઝરી કારમાં મુસાફરી કરતો હતો.
ગાઝિયાબાદના કવિનગરમાં બનાવટી દૂતાવાસ માટે ભાડે લેવાયેલો બંગલો અને બહાર ઊભેલી રાજદ્વારી નંબર-પ્લેટવાળી લક્ઝરી ગાડીઓ.
પોલીસને બનાવટી દસ્તાવેજો, આશરે ૪૪ લાખ રૂપિયા રોકડા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો સાથેના તેના મૉર્ફ કરેલા ફોટાગ્રાફ્સ મળી આવ્યા હતા. આ સિવાય રાજદ્વારી નંબર-પ્લેટવાળાં ચાર વાહનો, નાના રાષ્ટ્રના દેશોના ૧૨ રાજદ્વારી પાસપોર્ટ, વિદેશ મંત્રાલયની સીલવાળા બનાવટી દસ્તાવેજો, બે બનાવટી પૅન કાર્ડ, વિવિધ દેશો અને કંપનીઓનાં ૩૪ સીલ, બે બનાવટી પ્રેસ કાર્ડ, ઘણા દેશોનાં વિદેશી ચલણ, ઘણી કંપનીઓના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે.
જપ્ત કરવામાં આવેલાં નંબર પ્લેટ્સ અને રબર-સ્ટૅમ્પ્સ.
ગાઝિયાબાદના શાંત વિસ્તારમાં હર્ષવર્ધન જૈને દૂતાવાસ તરીકે બે માળનો બંગલો ભાડે રાખ્યો હતો. એમાંથી નકલી દૂતાવાસ ચલાવવામાં આવતું હતું. સ્વઘોષિત રાજદૂત હર્ષવર્ધન જૈને વિશ્વના નેતાઓ સાથે મૉર્ફ કરેલા ફોટો લગાવ્યા હતા. નકલી રાજદ્વારી કામગીરી ચલાવવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ગાડીઓ પર બેધડક લખેલાં ભાગ્યે જ સાંભળ્યાં હોય એવાં માઇક્રોનેશનનાં નામ.
વૈશ્વિક કનેક્શનનાં વચનો સાથે ઉદ્યોગપતિઓને લલચાવવા અને નકલી કંપનીઓ દ્વારા હવાલા નેટવર્ક ચલાવવા માટે આ વિસ્તૃત સેટઅપનો ઉપયોગ કરવાનો આરોપ હર્ષવર્ધન જૈન પર મૂકવામાં આવ્યો છે.