ઈલૉન મસ્કની સ્ટારલિન્કને ભારતમાં મળ્યું લાઇસન્સ, ૧૫ દિવસમાં શરૂ થશે ટ્રાયલ

08 June, 2025 06:56 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

મસ્કની કંપની છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરવા ઇચ્છે

ઈલૉન મસ્ક

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન્સ (DoT) દ્વારા ઈલૉન મસ્કની કંપની સ્ટારલિન્કને ભારતમાં સૅટેલાઇટ કમ્યુનિકેશન સર્વિસ આપવા માટે લાઇસન્સ આપી દેવાયું છે. જોકે સરકાર કે સ્ટારલિન્ક તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી. મસ્કની કંપની છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરવા ઇચ્છે છે. હવે કંપની ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરવા તરફ આગળ વધી રહી છે અને પંદરથી ૨૦ દિવસમાં સ્ટારલિન્ક દ્વારા ટ્રાયલ કરવામાં આવશે. સ્ટારલિન્કને ભારતમાં બ્રૉડબૅન્ડ અને સૅટેલાઇટ સર્વિસ શરૂ કરવાની લીલી ઝંડી મળી ગઈ છે. સ્ટારલિન્ક ત્રીજી કંપની છે જેને ભારતમાં ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન્સે લાઇસન્સ આપ્યું છે. આ અગાઉ OneWeb અને રિલાયન્સ જિયોને પણ સૅટેલાઇટ સર્વિસ શરૂ કરવાનું લાઇસન્સ આપવામાં આવ્યું છે.

શું છે સ્ટારલિન્ક?

સ્ટારલિન્ક એ ઈલૉન મસ્કની કંપની સ્પેસઍક્સની એક સૅટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ છે. એ લો અર્થ ઑર્બિટ (LEO) સૅટેલાઇટ-બેઝ્ડ ઇન્ટરનેટ સર્વિસ છે જેની મદદથી દુનિયાના દૂરના વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડી શકાય છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચા છે કે સ્ટારલિન્કની સર્વિસ ભારતમાં લૉન્ચ થશે.

elon musk india national news news indian government