02 June, 2026 07:29 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણીપંચે ગઈ કાલે ભારતનાં ૧૦ રાજ્યોમાં રાજ્યસભાની કુલ ૨૭ બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરી હતી. આ બેઠકોમાંથી ૨૪ બેઠકો પર સભ્યોનો કાર્યકાળ પૂરો થવાથી ચૂંટણી થશે અને ૩ બેઠક પર ઉપચૂંટણી થવાની છે. ચૂંટણીપંચે બહાર પાડેલા શેડ્યુલ મુજબ આંધ્ર પ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં ૪-૪ બેઠકો માટે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ૩-૩ બેઠકો માટે, ઝારખંડમાં બે બેઠકો માટે અને મણિપુર, મેઘાલય, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં ૧-૧ બેઠક માટે ચૂંટણી થશે. રાજ્યસભાની બેઠકો પર મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ઓડિશામાં ૧-૧ બેઠક પર ઉપચૂંટણી પણ થશે.
ગઈ કાલે પહેલી જૂનથી આ બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ હતી જે ૮ જૂન સુધી ચાલશે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ ૧૧ જૂન છે. ૧૮ જૂને સવારે ૮ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન થશે અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી થશે.
આ ચૂંટણી માત્ર રાજ્યસભાની ખાલી સીટો ભરવા સુધી જ મહત્ત્વની નથી, પરંતુ આવનારી વિધાનસભાની ચૂંટણીઓ અને રાજનીતિક સમીકરણોના દૃષ્ટિકોણથી પણ ખૂબ મહત્ત્વની મનાય છે. BJP દરેક રાજ્યમાં સામાજિક અને ક્ષેત્રીય સંતુલન બનાવવાની રણનીતિ પર કામ કરી રહી છે.
બિહાર અને કર્ણાટકમાં રાજ્ય વિધાન પરિષદની બેઠકો માટે પણ ૧૮ જૂને જ મતદાન અને મતગણતરી થશે. બિહારમાં ૧૦ અને કર્ણાટકમાં ૭ બેઠકો પર રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી થશે.