01 January, 2026 10:28 AM IST | Indore | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશના સૌથી સ્વચ્છ શહેર ગણાતા ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી ૮ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના રિપોર્ટ છે અને ૧૧૧થી વધુ લોકો બીમાર પડ્યા હોવાથી તેમની સારવાર ચાલી રહી છે. જોકે સરકારી આંકડા માત્ર ૩ જણનાં મૃત્યુની પુષ્ટિ કરે છે. ભાગીરથપુરા વિસ્તારમાં સંજીવની ક્લિનિક દરદીઓથી ઊભરાઈ રહ્યું છે જેમાં અનેક લોકો ઊલટી-ઝાડાથી પીડાઈ રહ્યા છે. સારવાર લઈ રહેલા ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે એને પરિણામે મૃત્યુઆંક વધી શકે છે.
પાઇપલાઇન પર પબ્લિક ટૉઇલેટ
ઇન્દોર સુધરાઈ અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ભાગીરથપુરાને પાણી પૂરું પાડતી મુખ્ય પાઇપલાઇન પર પબ્લિક ટૉઇલેટ બાંધવામાં આવ્યું છે. મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ થવાને કારણે ડ્રેનેજ સીધું પીવાના પાણીની લાઇનમાં વહેતું હતું. આ વિસ્તારમાં ઘણી જગ્યાએ પાણી-વિતરણની લાઇનો તૂટેલી જોવા મળી હતી એને કારણે ગંદું પાણી અનેક લોકોનાં ઘરો સુધી પહોંચ્યું હતું. નવી પાઇપલાઇન નાખવા માટેનાં ટેન્ડર ૪ મહિના પહેલાં જાહેર કરવામાં આવ્યાં હતાં. મુખ્ય પાઇપલાઇન માટેનાં ટેન્ડરનો ખર્ચ ૨.૫ કરોડ રૂપિયા થવાનો હતો એને અવગણવામાં આવ્યો હતો.
ઘણા દિવસથી ફરિયાદ
આ વિસ્તારના રહેવાસીઓ ઘણા દિવસોથી ગંદા અને દુર્ગંધવાળા નળના પાણીની ફરિયાદ કરી રહ્યા હતા, પરંતુ સમયસર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. પરિણામે ૨૪ ડિસેમ્બરથી ઊલટી-ઝાડાની ફરિયાદો ઝડપથી વધવા લાગી અને પરિસ્થિતિ ઝડપથી કાબૂ બહાર થઈ ગઈ હતી.
સસ્પેન્શન અને તપાસનો આદેશ
મુખ્ય પ્રધાન મોહન યાદવે આ મામલે દુઃખ વ્યક્ત કરીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ઝોનલ ઑફિસર અને સહાયક એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા છે. ત્રીજા ડેપ્યુટી એન્જિનિયરની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. સરકારે આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે.
સરકાર ખર્ચ ઉપાડશે
મુખ્ય પ્રધાન યાદવે જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે અને બીમાર થયેલા તમામ લોકોની સારવારનો ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે. ઘરે-ઘરે જઈને બીમાર લોકોને ઓળખવા માટે ડઝનબંધ આંગણવાડી મહિલાઓને તહેનાત કરવામાં આવી છે.
૧૨,૦૦૦ લોકોનું પરીક્ષણ
દૂષિત પાણીને કારણે બગડતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રશાસને એક સર્વેક્ષણ હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં ૨૭૦૩ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે અને ૧૨,૦૦૦ રહેવાસીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ૧૧૪૬ લોકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. ચાર ઍમ્બ્યુલન્સ, ૧૪ ડૉક્ટરો, પૅરામેડિક્સ અને ડડૉક્ટરોની એક ટીમ ભાગીરથપુરા વિસ્તારમાં તહેનાત કરવામાં આવી છે.