04 March, 2025 07:23 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ED) મની લૉન્ડરિંગના કેસમાં શુક્રવારે પૅન કાર્ડ ક્લબ્સ લિમિટેડના ડિરેક્ટરો અને પ્રમોટરના ઘરે સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું. ૨૦૧૭માં મૃત્યુ પામેલા કંપનીના મુખ્ય ડિરેક્ટર સુધીર મોરાવેકરના વારસદારોને ત્યાં આ સર્ચ-ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિદેશમાં તેમની પ્રૉપર્ટીઓ હોવાનું જણાઈ આવ્યું હતું. વળી આ પ્રૉપર્ટીઓ લીઝ પર આપવામાં આવી છે અને એના પર આવક કરવામાં આવતી હોવાનું પણ સર્ચ-ઑપરેશન દરમ્યાન જપ્ત કરાયેલા દસ્તાવેજો પરથી જણાઈ આવ્યું હતું. કેટલાક એવા પણ દસ્તાવેજો મળી આવ્યા હતા
જે દર્શાવતા હતા કે વિદેશની એ પ્રૉપર્ટીઓ વેચી નાખવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પૅન કાર્ડ ક્લબ્સ લિમિટેડ દ્વારા સેબીના નિયમોનો ભંગ કરી ક્લેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ઑફર કરી ૫૦ લાખ જેટલા ઇન્વેસ્ટર્સ સાથે ૪૫૦૦ કરોડનો ફ્રૉડ કરવામાં આવ્યો હતો. એથી પહેલાં પોલીસમાં થયેલી ફરિયાદના આધારે પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ ઍક્ટ ૧૯૯૯ હેઠળ કેસ નોંધી તપાસ કરી હતી. એ પછી EDએ એમાં પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ કેસ ફાઇલ કરી તપાસ ચાલુ કરી છે. EDનું કહેવું છે કે કંપની અને એના ડિરેક્ટરો દ્વારા ત્રણથી લઈને નવ વર્ષના સમયગાળાની મૅચ્યોરિટી ધરાવતી અલગ-અલગ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમો બહાર પાડવામાં આવી હતી જેમાં હોટેલ ડિસ્કાઉન્ટ, ઍક્સિડેન્ટલ ઇન્શ્યૉરન્સ, રોકાણ કરેલી રકમ પર ઊંચું વળતર ઑફર કરવામાં આવતું હતું. આમ કરતી વખતે કંપનીએ સેબી અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના નિયમોનો ભંગ કર્યો હતો.