સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ, નૅશનલ હેરલ્ડ કેસમાં EDની કાર્યવાહી

16 April, 2025 12:31 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નૅશનલ હેરલ્ડ મની લૉન્ડરિંગ કેસમાં ગઈ કાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કૉન્ગ્રેસના ઓવરસીઝ પ્રમુખ સૅમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટમાં પ્રોસિક્યુશન કમ્પ્લેન્ટ (ચાર્જશીટ) દાખલ કરી હતી

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી

કૉન્ગ્રેસનાં સંસદસભ્ય રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. નૅશનલ હેરલ્ડ મની લૉન્ડરિંગ કેસમાં ગઈ કાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કૉન્ગ્રેસના ઓવરસીઝ પ્રમુખ સૅમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટમાં પ્રોસિક્યુશન કમ્પ્લેન્ટ (ચાર્જશીટ) દાખલ કરી હતી. આ કેસમાં સુમન દુબે અને અન્ય લોકોનાં નામ પણ સામેલ છે. ચાર્જશીટની નોંધ લેવા વિશેની સુનાવણી પચીસમી એપ્રિલે નક્કી કરાઈ છે. આ દિવસે સરકારી વકીલ અને તપાસ અધિકારીને કેસ ડાયરી સાથે કોર્ટમાં હાજર રહેવું પડશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ નૅશનલ હેરલ્ડ સાથે જોડાયેલા મની-લૉન્ડરિંગ કેસના આરોપમાં ગઈ કાલે કૉન્ગ્રેસનાં નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય સામે ચાર્જશીટ દાખલ કરી હતી એને લઈને કૉન્ગ્રેસ દેશભરમાં EDની ઑફિસ સામે વિરોધ-પ્રદર્શન કરશે. આ સંદર્ભે કૉન્ગ્રેસ મહાસચિવ કે. સી વેણુગોપાલે જણાવ્યું હતું કે અમે બુધવારે (આજે) દેશભરમાં ED ઑફિસની બહાર વિરોધ-પ્રદર્શન કરીશું અને આ પ્રકારના બદલા અને ધમકીના રાજકારણ સામે અમારો વિરોધ વ્યક્ત કરીશું.

congress sonia gandhi rahul gandhi directorate of enforcement political news national news news indian politics