હવે ફ્યુઅલમાં એથનૉલ મિશ્ર કરવાનો વિરોધ

27 July, 2026 09:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એથનૉલ-મિશ્રિત ફ્યુઅલના વિરોધમાં ઑન્ટ્રપ્રનર તહસીન પૂનાવાલાએ ઇન્ડિયા ગેટ પર ગાડી માર્ચ, ગાંધી માર્ચનું ૩૧ જુલાઈએ અને દિલ્હીના ટૅક્સી અને ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટ ઑપરેટરોએ ૪ ઑગસ્ટે સંસદ કૂચનું કર્યું આહ્વાન

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

૩૧ જુલાઈએ ઇન્ડિયા ગેટ પર ગાડી માર્ચ, ગાંધી માર્ચ

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના વિરોધને સફળતા મળ્યા પછી હવે ફ્યુઅલમાં એથનૉલ ભેળવવાના વિરોધમાં ૩૧ જુલાઈએ ઇન્ડિયા ગેટ પર ‘ગાડી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું છે. ઑન્ટ્રપ્રનર અને ઍક્ટિવિસ્ટ તહસીન પૂનાવાલાએ આ જાહેરાત કરી છે. ઇન્ડિયા ગેટ-પાર્લમેન્ટ સ્ટ્રીટ રૅલી કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી અને હરદીપ સિંહ પુરીનાં ઘરોની પાસેથી પસાર થશે. આ માર્ચ માટે વાહનધારકોને તેમનાં વાહનોમાં આવવાની હાકલ કરવામાં આવી છે. તેમની માગણી છે કે E10 વાહનોને જ E10 પેટ્રોલ આપવામાં આવે, બધાને નહીં. શુદ્ધ પેટ્રોલનો હાલમાં ભાવ ૧૬૫થી ૧૭૦ રૂપિયા પ્રતિ લીટર છે એમાં ઘટાડો કરવામાં આવે. આ પેટ્રોલ ૮૦થી ૯૦ રૂપિયા પ્રતિ લીટર આપી શકાય એમ છે.

દિલ્હીના ટૅક્સી અને ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટ ઑપરેટરોની ૪ ઑગસ્ટે સંસદકૂચ

દિલ્હીના ટૅક્સી અને ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટ ઑપરેટરોએ E20 (૨૦ ટકા એથનૉલ-મિશ્રિત) પેટ્રોલના અમલીકરણના વિરોધમાં ૪ ઑગસ્ટે સંસદ તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. આવાં અસોસિએશનોએ દાવો કર્યો છે કે આવા ફ્યુઅલને કારણે ૨૦૨૫ પહેલાં ઉત્પાદિત વાહનોમાં માઇલેજમાં ઘટાડો, જાળવણી-ખર્ચમાં વધારો અને એન્જિનની કામગીરીમાં સમસ્યાઓ ઊભી થઈ છે. તેઓ ગ્રાહકો, ટ્રાન્સપોર્ટરો, ઑટોમોબાઇલ ઉત્પાદકો અને ટેક્નિકલ નિષ્ણાતોને સંડોવતા એથનૉલ મિશ્રણ નીતિની સ્વતંત્ર વૈજ્ઞાનિક સમીક્ષાની માગણી કરી રહ્યા છે. અસોસિએશને ઑલ ઇન્ડિયા ટૂરિસ્ટ પરમિટ ટૅક્સીઓ અને બસો પર લાદવામાં આવેલી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિમર્યાદાની સમીક્ષા કરવાની પણ માગણી કરી છે.

cockroach janata party petrol diesel price national news news new delhi