એક અલગ દ્વારિકાની ઓળખ ગૌરવશાળી મુંબઈવાસીઓ માટે

27 December, 2023 09:21 AM IST  |  Mumbai | Dr. Vishnu Pandya

સૌની નજરમાં આવ્યું હશે કે દ્વારિકામાં ૨૪ જાન્યુઆરીએ એક ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવ ઊજવાઈ ગયો. ૫૦,૦૦૦ આહીર-આયર મહિલાઓ તેમના પરંપરાગત વેશમાં રાસ નહીં, પણ ‘મહારાસ’ રમી, કોઈ ઝાકઝમાળ નહીં, કોઈ કથિત આધુનિક વસ્ત્રપરિધાન નહીં.

મહારાસ ની તસવીર

મેટ્રોપૉલિટન મુંબઈમાં દરેક પ્રદેશના અને કેટલાક બીજા દેશોના નાગરિકો રહે છે. ગુજરાતનું તો એ ધડકતું હૃદય છે. લાખ કોશિશ થાય છતાં મુંબઈની કોઈ નકલ કે બીજી આવૃત્તિ કરી શકતું નથી. આમચી મુંબઈ આંદોલન પછી પણ ખમીરવંતું સૌરાષ્ટ્ર, સાહસિક કચ્છ, દૂરદરાજના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના રહેવાસીઓમાંનો ઘણો મોટો વર્ગ મુંબઈવાસી બની ગયો છે. મુંબઈની ચાલ, પરાં, બંગલાઓ, હૉસ્ટેલો, પેઇંગગેસ્ટ ઘરો, કારખાનાંઓ, ફુટપાથો, ધારાવીની વસાહતો અને મુંબઈની નજીક કે થોડે દૂર સુધીનાં સ્થાનોએ વસી જાય છે અને ચાર-પાંચ કે એથી વધુ પેઢી સ્થાયી થઈ ગઈ છે. ભાટિયા, મેમણ, સિંધી, પટેલ, ઓશવાલ વણિકો, બ્રાહ્મણો... કોઈ એમાંથી બાકાત નથી. હજી પણ ગુજરાતમાં એવાં ગામડાં કે નાનાં નગરો છે જ્યાં સુઘડ, સુંદર કે જર્જરિત ઘરોને દરવાજે તાળાં લટકતાં દેખાય. પૂછપરછ કરતાં જાણવા મળે કે આખો પરિવાર મુંબઈમાં રહે છે અને વારતહેવારે અહીં આવે છે. થોડા સમય પહેલાં ઇડર અને વિજયનગરની આસપાસ જવાનું બન્યું હતું. ત્યાંના આદિવાસીઓ પણ મુંબઈવાસી બન્યા છે. કવિવર ઉમાશંકર જોષીનું ગામ બામણા મજાનું નાનું ગામ છે. બ્રાહમણવાસનાં સુઘડ મકાનો બંધ છે, લગભગ બધા મુંબઈના નિવાસી બની ગયા છે. ઉમાશંકરનું મકાન આમ તો કવિના સ્મારક તરીકે સ્થાપિત થવું જોઈતું હતું, પણ એકલું શાંત-પ્રશાંત ઊભું છે. મુંબઈમાં તેજસ્વી પત્રકારત્વ કરનાર અમૃતલાલ શેઠનો પરિવાર ભલે મુંબઈ રહેતો હોય, પણ વંશપરંપરાને જાળવવા પૂર્ણાબહેન રાણકપુર અચૂક આવે છે, જ્યાં તેમના પૂર્વજ અમૃતલાલ શેઠ ‘સૌરાષ્ટ્ર’ નામનું તેજસ્વી અખબાર ચલાવવા ધૂણી ધખાવીને રહ્યા હતા. મુંબઈને ગૌરવવંતું બનાવનારા કવિ નર્મદ, દાદાભાઈ નવરોજી, કરસનદાસ મૂળજી, મથુરાદાસ લવજી, છબિલદાસ શેઠ (જેનાં પુત્રી ભાનુમતી ક્રાન્તિકાર પંડિત શ્યામજી કૃષ્ણવર્માને પરણ્યાં હતાં અને પૅરિસમાં પતિના અવસાન પછી ત્રીજા વર્ષે સ્વર્ગવાસી થયાં હતાં), માંડવી કચ્છમાં જન્મેલી દાદાભાઈ નવરોજીની પૌત્રી લંડન અને પૅરિસ પછી મુંબઈવાસી બની ગઈ હતી તેની કોઈ સ્મૃતિ-જગ્યા છે? સમુદ્રકથાઓના લેખક ગુણવંતરાય આચાર્યનો પુત્રી-પરિવાર પણ મુંબઈમાં જ કાયમી નિવાસી બની ગયો છે અને લેખનપરંપરા જાળવી રાખી છે; પણ ગુલાબદાસ બ્રોકર, ગુણવંતરાય આચાર્ય, હિન્દુસ્તાન પત્રોના રણછોડલાલ લોટવાળા, ઇન્દુલાલ યાજ્ઞિક, હાજી અલારખિયા શિવજી, કનૈયાલાલ મુનશી, ચાંપરાજભાઈ શ્રોફ વગેરે એવાં તેજનક્ષત્રો હતાં જેમની કર્મભૂમિ મુંબઈ રહી. કોઈ એક જગ્યાએ આ બધાનું એકસાથે સ્મૃતિસ્થાન ઊભું કરવાનું કામ કોઈ ગુજરાતી સંસ્થા કે ગુજરાતીશ્રેષ્ઠીઓએ કરવા જેવું છે. ગુજરાત અને ગુજરાતીઓની અસ્મિતા ગુજરાતની બહાર પણ વિકસિત થઈ એનો ઇતિહાસ નવી પેઢી સુધી પહોંચવો જોઈએ.

સૌની નજરમાં આવ્યું હશે કે દ્વારિકામાં ૨૪ જાન્યુઆરીએ એક ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવ ઊજવાઈ ગયો. ૫૦,૦૦૦ આહીર-આયર મહિલાઓ તેમના પરંપરાગત વેશમાં રાસ નહીં, પણ ‘મહારાસ’ રમી, કોઈ ઝાકઝમાળ નહીં, કોઈ કથિત આધુનિક વસ્ત્રપરિધાન નહીં. સૌરાષ્ટ્રના ગામડે જાઓ અને જે ભરતકામથી હર્યાંભર્યાં વસ્ત્રો હોય એનો શણગાર. હીર આભલાનું ભરતકામ, લાલ ચોળિયાની જીમી, ભરેલાં અને સદા અતલસનાં કાપડાં (કપડાં નહીં, કાપડાં!), ઘાઘરા, ચાકલા, ચાંદરવા... સફાઈબંધ અને સુઘડ. મોર-પોપટ જેવાં પંખી દેહવસ્ત્રો પર કેવાં શોભતાં હોય છે એનો આનંદ આયર મહિલાથી વિશેષ કોઈને ન હોય. એનાં પોતાનાં આગવાં નામ છે. પીઠિયું, અર્ધા વાટકા, ભુજ બુટી, સોના-ચાંદીનાં ઘરેણાં, હાથ, ચહેરો, પગ પરનાં તરેહવારનાં છૂંદણાં.
...અને રાસ તો જાણે સૂર, સંગીત, તાલ અને લયનો મહાસાગર. ૫૦૦૦ વર્ષથી પણ પહેલાં વ્રજભૂમિ પરથી શ્રીકૃષ્ણ આ નૃત્યપ્રકાર લાવ્યા હતા. ગરબો અને ગરબી તેમ જ રાસ એનું રમ્ય સ્વરૂપ. કૃષ્ણની પૌત્રવધૂ સ્વયં પાર્વતી પાસેથી આ રાસ શીખી હતી. ક્યાં? પૂર્વોત્તરમાં, અને એને સ્વીકાર્યું કોણે? દક્ષિણમાં અને પશ્ચિમમાં! દક્ષિણ ભારતમાં એક અતિ પ્રાચીન નૃત્ય છે, કુરાવઈ કૂત. શ્રીકૃષ્ણ જાતે પોતાની પ્રેયસી ‘નાપ્પિનૈ’ સાથે રમ્યા એ જ આ રાસ. નાપ્પિનૈ એ જ પરમ સખી રાધા. મૂળ નામ હલ્લીસક. છેક દ્વારિકામાં વિદુષી ઉષાએ તેને નાજુક સ્વરૂપ આપ્યું, તે પૂર્વોત્તરના બાણાસુરની પત્ની હતી અને અનિરુદ્ધ-કૃષ્ણપુત્રને પરણી હતી એટલે તો આસામના મુખ્ય પ્રધાન કહે છે કે રુક્મિણી અને ઉષા એ પ્રદેશની એટલે તેમનું પિયર આસામમાં હતું.
આભીર અર્થાત્ આહીર એટલે કે આજના આયરની આધાર પરજ છે, સ્થાન વિશેષ એમાં જોડાયું છે. સમગ્ર દેશમાં તે છવાયા છે, મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ ખરા. સોરઠિયા આહીરની કુલ અટકો ૪૮૮ છે. આહીર ભૈરવ રાગ તેમની દેન છે. એટલે દ્વારિકામાં ૫૦,૦૦૦ આયર મહિલાઓએ દિવસભર એકસાથે અનેક વલયોમાં આ મહારાસથી શ્રીકૃષ્ણની આરાધના કરી એ ઐતિહાસિક અને સાંસ્કૃતિક અસ્મિતાનો અનોખો ઠાઠ હતો એમ કહીએ તો અતિરેક નહીં ગણાય. 

national news gujarat news