ટ્રમ્પના ટૅરિફ-બૉમ્બના કડાકાભડાકા

02 August, 2025 07:51 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારત-રશિયા ડેડ ઇકૉનૉમી, બન્નેને ડૂબવું હોય તો ડૂબે : ભારત સૌથી ઝડપથી વિકસતી ઇકૉનૉમી, જલદી ટૉપ-3માં આવીશું

ડોનલ્ડ ટ્રમ્પ, પીયૂષ ગોયલ

ટ્રમ્પે ભારત પર લાદેલી ટૅરિફ અને પેનલ્ટીનો ઘા રુઝાયો નહોતો ત્યાં ગઈ કાલે ભારતની અર્થવ્યવસ્થાને મૃત કહીને એની ટીકા કરવી અને પાકિસ્તાન સાથે કરારની જાહેરાત કરવી આ બધાં પગલાં દ્વારા ડોનલ્ડ ટ્રમ્પે ભારતમાં ઘણી હલચલ મચાવી છે. ટ્રમ્પના ભારત પર આ ઑલઆઉટ અટૅકને લઈને સમગ્ર વિપક્ષ અને સરકારના ટીકાકારો સરકાર પર વરસી પડ્યા છે, પણ સરકારે આ બાબતે કોઈ જોશીલી ભાષણબાજી કે ઉતાવળિયા નિર્ણયો કરવાને બદલે શાંતિપૂર્વક અને ડિપ્લોમૅટિકલી આગળ વધવાનું વલણ અપનાવ્યું છે. સરકારે સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે હજી ટ્રેડ-ડીલ માટેની વાટાઘાટો ચાલી રહી છે ત્યારે અમેરિકાનાં દાવા-દબાણોથી સરકાર પૅનિક થવાની નથી.

બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટૅરિફ અને રશિયા સાથે વેપાર કરવા માટે પેનલ્ટી લાદવાની જાહેરાત કર્યા પછી ભારતમાં ખળભળાટ મચ્યો છે, પણ ભારત સરકારે પૅનિક બટન દબાવવાને બદલે શાંતિથી વાતચીત દ્વારા આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના સંકેતો આપ્યા છે. સંસદમાં વાણિજ્યપ્રધાન પીયૂષ ગોયલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપારકરાર બાબતે હજી વાટાઘાટો ચાલી રહી છે. આ વાત ડોનલ્ડ ટ્રમ્પે પણ કહી છે કે ભારત સાથે વાતચીત હજી ચાલે છે.

ઘણા નિષ્ણાતોએ એવો મત આપ્યો છે કે ટ્રમ્પની અણધારી ટૅરિફ-જાહેરાત વાટાઘાટમાં પોતાનું ધાર્યું કરાવવા માટેની એક ટેક્નિક છે. જોકે ભારત સરકાર ટ્રમ્પની જાહેરાત અને ટ્રમ્પની ટીકાઓના વિવાદને મોટો બનાવવાને બદલે એની સામે સાવધાનીપૂર્વક પગલાં ભરી રહી છે.

ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે એવું પણ કહ્યું હતું કે ‘મને કોઈ ફિકર નથી કે ભારત રશિયા સાથે શું (વેપાર) કરે છે. ભારત અને રશિયા બન્ને પોતપોતાની મૃત અર્થવ્યવસ્થાઓ લઈને ડૂબી શકે છે. હું માત્ર એ વાતની દરકાર કરું છું કે ભારતની ટૅરિફ ખૂબ ઊંચી હોવાને લીધે અમેરિકાએ ભારત સાથે ઘણો ઓછો વેપાર કર્યો છે.’  

ભારતની અર્થવ્યવસ્થા મજબૂત

પાછલા એક દાયકામાં ભારતની ઇકૉનૉમી ૧૧મા નંબર પરથી ટૉપ-પાંચમાં આવી ગઈ છે.

 થોડા જ સમયમાં ટૉપ-૩માં આવી જશે.

અત્યારે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે.

વૈશ્વિક વિકાસમાં ભારતનું યોગદાન ૧૬ ટકા છે.

અમે ભારતના હિતોનું રક્ષણ કરીશું : પીયૂષ ગોયલ

કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ-ડીલ માટે છેલ્લા મહિનાઓમાં અનેક બેઠકો થઈ છે એમાં ટૅરિફ પૉલિસી માટે પણ ઘણી ચર્ચા થઈ છે. અત્યારની પરિસ્થિતિનું સરકાર બારીકાઈથી નિરીક્ષણ કરી રહી છે અને એની શું અસર થઈ શકે એ માટે તમામ સ્ટેહોલ્ડર્સ સાથે મળીને અભ્યાસ કરી રહી છે. આ તમામ બાબતો પર અમેરિકા સાથે હજી વાટાઘાટો ચાલી રહી છે. ભારત સરકાર દેશના આંતરિક વેપાર-બજારની સુરક્ષા માટે અને આપણા ખેડૂતો, ઉદ્યોગપતિઓનાં હિત જાળવવા માટે જરૂરી તમામ પગલાં ભરશે. વાટાઘાટોમાં ભારતીય આયાત પર ૧૦ ટકાથી ૫૦ ટકા સુધીના ટૅરિફની ચર્ચા થઈ છે એવું પણ પીયૂષ ગોયલે જણાવ્યું હતું.

donald trump Tarrif piyush goyal parliament national news news india indian economy