બળાત્કારના કેસમાં જેલબંધ નારાયણ સાંઈના છૂટાછેડા મંજૂર, પત્નીને બે કરોડ ચૂકવવા પડશે

09 April, 2026 01:10 PM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

નારાયણ સાંઈ હાલમાં બળાત્કારના કેસમાં સુરત જેલમાં બંધ છે. આ મહત્ત્વપૂર્ણ આદેશને હાઈ કોર્ટમાં પડકારવામાં આવે એવી શક્યતા છે.

આસારામના પુત્ર નારાયણ સાંઈ

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આવેલી એક ફૅમિલી કોર્ટે બની બેઠેલા ધર્મગુરુ આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસનો ઉકેલ લાવી દીધો છે. કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા છે અને નારાયણ સાંઈને કાયમી ભરણપોષણ તરીકે બે કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસ લગભગ ૮ વર્ષથી ચાલી રહ્યો હતો. કોર્ટે બીજી એપ્રિલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, જે મંગળવારે જાનકીના વકીલ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. નારાયણ સાંઈ હાલમાં બળાત્કારના કેસમાં સુરત જેલમાં બંધ છે. આ મહત્ત્વપૂર્ણ આદેશને હાઈ કોર્ટમાં પડકારવામાં આવે એવી શક્યતા છે.

જાનકી અને નારાયણ સાંઈનાં લગ્ન ૨૦૦૮માં થયાં હતાં, પરંતુ ૨૦૧૩થી તેઓ અલગ રહેતાં હતાં. પત્નીએ તેના પતિ પર ત્યાગનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમના વૈવાહિક સંબંધો લાંબા સમયથી સમાપ્ત થઈ ગયા છે. અરજીમાં નારાયણ સાંઈ પર અન્ય મહિલાઓ સાથે સંબંધો હોવાના ગંભીર આરોપો પણ મૂકવામાં આવ્યા છે.

જાનકીએ શરૂઆતમાં ભરણપોષણ તરીકે પાંચ કરોડ રૂપિયાની માગણી કરી હતી, પરંતુ તમામ દલીલો સાંભળ્યા પછી કોર્ટે માત્ર બે કરોડ રૂપિયા પર સમાધાન કર્યું હતું. 

national news india madhya pradesh indore sexual crime asaram bapu