28 February, 2026 10:53 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
ત્રિશા ક્રિષ્નન
તામિલ સુપરસ્ટાર અને રાજકારણી વિજયની પત્ની સંગીતા સોરનાલિંગમે છૂટાછેડા માટે અરજી દાખલ કરતી વખતે પતિ પર એક અભિનેત્રી સાથે લગ્નબાહ્ય સંબંધ હોવાનો આરોપ મૂક્યો છે. ફૅમિલી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કોઈ અભિનેત્રીનું નામ સ્પષ્ટ રીતે ઉલ્લેખાયું નથી છતાં સોશ્યલ મીડિયા પર વિવિધ અટકળો ચાલી રહી છે.
ઑનલાઇન ચર્ચાઓ વચ્ચે કેટલાક નેટિઝન્સે વિજયનું નામ તામિલ અભિનેત્રી ત્રિશા ક્રિષ્નન સાથે જોડ્યું છે. જોકે અરજીમાં તેના નામનો કોઈ ઉલ્લેખ નથી. સંગીતાની અરજીમાં કહેવાયું છે કે ૨૦૨૧થી પ્રતિવાદી ભાવનાત્મક રીતે દૂર થયા, મૌખિક અવગણના દર્શાવી અને પરિસ્થિતિ એવી સર્જાઈ કે અરજદારને એક જ ઘરમાં અલગ રહેવું પડ્યું. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતા વિદેશપ્રવાસો અને જાહેર કાર્યક્રમોમાં એક અભિનેત્રી સાથે હાજરી આપતા હતા અને એ અભિનેત્રી સોશ્યલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતી હતી.
સંગીતાના આ આક્ષેપ સામે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ અને અરજીમાં પણ કોઈ નામ દર્શાવાયું નથી છતાં સોશ્યલ મીડિયા પર યુઝર્સ જૂની પોસ્ટ અને તસવીરો શૅર કરીને વિવિધ તારણો કાઢી રહ્યા છે.