17 June, 2025 08:00 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
દિગ્વિજય, દિવ્યા તેમના પિતા વિક્રમ એસ. ધાયલ
હરિયાણાના હિસારમાં રહેતા ધાયલ પરિવારે દેશની સેવા કરવાનો એક અનોખો દાખલો બેસાડ્યો છે. ૧૪ જૂને ઇન્ડિયન મિલિટરી ઍકૅડેમી (IMA)ની પાસિંગ આઉટ પરેડમાં દિગ્વિજય ધાયલે લેફ્ટનન્ટ બનીને પરિવારના વારસાને આગળ ધપાવ્યો ત્યારે તેની જોડિયા બહેન અને આર્મીમાં લેફ્ટનન્ટ દિવ્યા ધાયલ તેને યુનિફૉર્મ પહેરીને સૅલ્યુટ કરવા પહોંચી હતી. દિગ્વિજય અને દિવ્યા ધાયલે પુણેની આર્મી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. થોડા સમય પહેલાં દિવ્યા ઑફિસર્સ ટ્રેઇનિંગ ઍકૅડેમી (OTA)-ચેન્નઈમાંથી પાસઆઉટ થઈને લેફ્ટનન્ટ બની હતી. દિગ્વિજય ધાયલ દેહરાદૂનસ્થિત IMAમાંથી પાસઆઉટ થયા પછી આર્મી ઑફિસર બન્યો છે.
દિગ્વિજય કરતાં દિવ્યા ચાર મિનિટ મોટી છે. તેમના પિતા વિક્રમ એસ. ધાયલ પોતે એક આર્મી ઑફિસર છે અને તેમણે બન્ને બાળકોને દેશની સેવા કરવા માટે પ્રેરણા આપી હતી. દિગ્વિજયે પોતાની કૉર્પોરેટ નોકરી છોડીને સેનામાં જોડાવાનું નક્કી કર્યું અને સખત મહેનતથી આ પદ પ્રાપ્ત કર્યું. તેમના કાકા કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડતાં શહીદ થયા હતા. ત્યાર બાદ તેમના પિતાએ એ જ પોસ્ટિંગ પર સેવા આપી હતી.
આ પરિવાર દેશભક્તિની જીવંત વાર્તા છે. દિગ્વિજય અને દિવ્યા માત્ર લશ્કરી અધિકારીઓ જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરના તીરંદાજ પણ છે. દિવ્યાએ વર્લ્ડ આર્ચરી ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે દિગ્વિજયે પણ ઘણા મેડલ જીત્યા હતા.