29 December, 2025 10:38 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
શરીફ ઉસ્માન હાદી
બંગલાદેશના યુવા નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યાના બે મુખ્ય શંકાસ્પદો મેઘાલય સરહદ દ્વારા ભારતમાં ભાગી ગયા હોવાનો દાવો ઢાકા પોલીસે કર્યો હતો. બંગલાદેશ સરકાર તેમની ધરપકડ અને પ્રત્યર્પણ માટે ભારતીય અધિકારીઓ સાથે સક્રિય રીતે વાતચીત કરી રહી હોવાનું પોલીસે ઉમેર્યું હતું. એક પ્રેસ-બ્રીફિંગમાં ઍડિશનલ કમિશનર એસ. એન. નજરુલ ઇસ્લામે જણાવ્યું હતું કે શંકાસ્પદો ફૈઝલ કરીમ મસૂદ અને આલમગીર શેખ સ્થાનિક સહયોગીઓની મદદથી મૈમન સિંહની હલુઆઘાટ સરહદ દ્વારા ભારતમાં પ્રવેશ્યા હતા. સરહદ ક્રૉસ કર્યા પછી શરૂઆતમાં તેમનું સ્વાગત પૂર્તિ નામની વ્યક્તિએ કર્યું હતું. ત્યાર બાદમ સામી નામનો ટૅક્સી-ડ્રાઇવર તેમને મેઘાલયના તુરા શહેરમાં લઈ ગયો હતો.
આ મુદ્દે તેમણે ઉમેર્યું હતું કે પોલીસને અનૌપચારિક અહેવાલ મળ્યા છે જે સૂચવે છે કે શંકાસ્પદોને મદદ કરનાર બે વ્યક્તિઓ પૂર્તિ અને સામીને ભારતીય અધિકારીઓએ અટકાયતમાં લીધા છે. જોકે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. બંગલાદેશ સરકાર ભાગેડુઓને પાછા મેળવવા માટે ભારત સાથે સંપર્કમાં છે. તેમની ધરપકડ અને પ્રત્યર્પણ માટે ઔપચારિક અને અનૌપચારિક બન્ને માધ્યમો દ્વારા વાતચીત ચાલી રહી છે.
હાદીના હત્યારા ભારતમાં આવ્યાની વાત ખોટી, બંગલાદેશ સરકારે અમારો સંપર્ક જ નથી કર્યો
ઇન્કિલાબ મંચના નેતા શરીફ ઉસ્માન હાદીના બે શંકાસ્પદ હત્યારા ભારતમાં ઘૂસ્યા હોવાના ઢાકા પોલીસના દાવાને મેઘાલય પોલીસ અને બૉર્ડર પોલીસ ફોર્સ (BSF)એ ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ‘બંગલાદેશ મીડિયામાં હાદીના હત્યારા વિશે જૂઠી અને ભ્રમ ફેલાવતી વાતો લખવામાં આવી રહી છે. આનાથી સંવેદનશીલ રાજ્ય મેઘાલયની શાંતિ અને સ્થિરતાને ખતરામાં નાખવામાં આવે છે.’ મેઘાલય પોલીસે ઢાકા પોલીસના એ દાવાને પણ નકારી કાઢ્યો છે કે તેઓ ભારત સરકારના સંપર્કમાં છે. બંગલાદેશ સરકારે અમારો સંપર્ક કર્યો જ નથી.