અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ભારતીયોને માત્ર અમ્રિતસરમાં જ શા માટે ઉતારવામાં આવે છે?

17 February, 2025 07:05 AM IST  |  Amritsar | Gujarati Mid-day Correspondent

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને આને પંજાબને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું : જોકે BJPએ કહ્યું કે અમેરિકાથી આવતાં વિમાનો માટે અમ્રિતસર ભારતનું પહેલું ઍરપોર્ટ હોવાથી ત્યાં ઉતારવામાં આવે છે

અમ્રિતસર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ

અમેરિકાથી ડિપૉર્ટ કરવામાં આવેલા ભારતીયોને લઈને આવતાં વિમાનોને પંજાબના અમ્રિતસર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લૅન્ડ કરાવવામાં આવતાં હોવાથી હવે આ રાજકીય મુદ્દો બની ગયો છે અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને દાવો કર્યો હતો કે ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકાર પંજાબને બદનામ કરવામાં કોઈ કસર છોડી રહી નથી. તેમણે સવાલ કર્યો હતો કે અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ભારતીયોને માત્ર અમ્રિતસરમાં જ શા માટે ઉતારવામાં આવે છે?

પાંચમી ફેબ્રુઆરીએ ૧૦૪ ભારતીયોને લઈને અમેરિકાની આર્મીનું એક કાર્ગો વિમાન C-17 અમ્રિતસર પહોંચ્યું હતું. આ વિમાનમાં ભારતીયોને સાંકળથી બાંધીને લાવવામાં આવ્યા હતા અને આ મુદ્દે ભારતમાં જોરદાર વિવાદ થયો હતો.

આ મુદ્દે ભગવંત માને અમ્રિતસરમાં પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘આ રાષ્ટ્રીય સમસ્યા છે, વિમાનો માત્ર પંજાબમાં જ કેમ ઉતારવામાં આવે છે, અંબાલા કે બીજા ઍરપોર્ટ પર કેમ ઉતારવામાં આવતાં નથી. આ માત્ર પંજાબ અને પંજાબીઓને બદનામ કરવાનું કાવતરું છે. ડિપૉર્ટ થયેલા લોકોમાં ગુજરાતી અને બીજા સમાજના લોકો પણ છે છતાં માત્ર પંજાબીઓના જ ઇન્ટરવ્યુ ટીવીમાં દર્શાવવામાં આવે છે.’

આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા આર. પી. સિંહે કહ્યું હતું કે ‘અમેરિકાથી આવતાં વિમાનો માટે અમ્રિતસર ભારતનું પહેલું ઍરપોર્ટ છે એટલે ત્યાં ઉતારવામાં આવે છે. વળી મોટા ભાગના ડિપૉર્ટી પંજાબના જ હોય છે.’

BJPના સંસદસભ્ય પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે આવા સંવેદનશીલ મુદ્દા પર ભગવંત માને રાજકારણ કરવું જોઈએ નહીં.

બીજી તરફ BJPના પંજાબ એકમના અધ્યક્ષ સુનીલ જાખડે કહ્યું હતું કે ‘વિપક્ષના લોકો ખોટી વાતે વિવાદ ઊભો કરે છે. તમામ ભારતીય નાગરિકો છે. ફ્લાઇટ અમ્રિતસરમાં લૅન્ડ થાય એમાં કોઈ સમસ્યા હોવી જોઈએ નહીં. આ મુદ્દાને રાજકીય રંગ આપવાની જરૂર નથી.’

૧૧૯માંથી ૬૭ પંજાબના


અમેરિકાથી ડિપૉર્ટીઓને લઇને આવેલી બીજા ફ્લાઇટમાં ૧૧૯ પૈકી ૬૭ પંજાબ અને ૩૩ હરિયાણાના હતા. આ સિવાય ગુજરાતના આઠ, ઉત્તર પ્રદેશના ત્રણ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ૨-૨ અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ૧-૧નો સમાવેશ થતો હતો.

punjab amritsar united states of america bhagwant mann bharatiya janata party political news national news news