21 July, 2026 11:01 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI)એ ક્યુડેન્ગા નામની જૅપનીઝ કંપનીની રસીને ભારતમાં ઉપયોગ માટે સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. આને આરોગ્ય ક્ષેત્રે ભારત માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ એક ટેટ્રાવેલેન્ટ રસી છે, એનો મતલબ એ કે એનાથી ડેન્ગીના ચારેય પ્રકારો સામે રક્ષણ મળી શકશે.
ક્યુડેન્ગા જપાનની ટાકેડા ફાર્માસ્યુટિકલ્સે તૈયાર કરી છે અને એ ભારતમાં મંજૂર થનારી ડેન્ગીની પ્રથમ રસી બની ગઈ છે. ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ ભારતમાં એનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે. આ માટે ટાકેડાએ હૈદરાબાદની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ‘બાયોલૉજિકલ E’ સાથે ભાગીદારી કરી છે. ભારતમાં ઉત્પાદન થવાથી એ ઝડપી બનશે અને સપ્લાય સુનિશ્ચિત થશે.
ડેટા દર્શાવે છે કે ૨૦૨૪માં ભારતમાં ડેન્ગીના ૩૨,૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા. અગાઉ ૨૦૨૩માં ડેન્ગીના ૧૮,૩૯૧ કેસ નોંધાયા હતા. છેલ્લા બે દાયકામાં ડેન્ગીના કેસમાં ૧૧ ગણો વધારો નોંધાયો છે ત્યારે આ વાઇરલ ઇન્ફેક્શનથી બચવા માટે આ રસી ખૂબ જ ઉપયોગી થશે.
કોણ લઈ શકશે?
આ રસી ૪ વર્ષનાં બાળકથી લઈને ૬૦ વર્ષની વ્યક્તિને આપી શકાશે. જેમને ડેન્ગી થઈ ચૂક્યો હોય કે ક્યારેય ન થયો હોય, બન્ને પ્રકારના લોકો ક્યુડેન્ગા રસી લઈ શકાશે. રસીના કુલ બે ડોઝ આપવામાં આવે છે. બીજો ડોઝ પ્રથમ ઇન્જેક્શનના બરાબર ૩ મહિના પછી આપવામાં આવે છે. એ હાથમાં ચામડીની નીચે ઇન્જેક્શન તરીકે આપવામાં આવે છે.
નજીવી આડઅસર
આ રસીની આડઅસરો નજીવી છે. ઇન્જેક્શન લીધા પછી હળવો તાવ, માથાનો દુખાવો અથવા ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં થોડો દુખાવો અને સોજો અનુભવી શકાય છે.