19 June, 2024 04:14 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વિકાસ મંગોત્રા અને તેમની દીકરી
મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ નૅશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) આપે છે. NEETની તૈયારી કરતા દરેક બાળકનાં માતા-પિતાને એવી ઇચ્છા હોય છે કે તેમનું બાળક સફળ થાય અને ડૉક્ટર બને. દિલ્હીમાં રહેતા ૫૦ વર્ષના વિકાસ મંગોત્રાને પણ એવી જ ઇચ્છા હતી કે તેમની દીકરી NEET UG 2024 ક્રૅક કરે. એ માટે તેમણે પણ NEETની તૈયારી કરી અને દીકરી સાથે આ મુશ્કેલ પરીક્ષા પાસ કરી હતી. મૂળ જમ્મુના વિકાસ મંગોત્રાએ ૨૦૨૨માં પણ NEET ક્વૉલિફાય કર્યું હતું જેથી તેઓ પરીક્ષાની પદ્ધતિને સમજી શકે. તેઓ લગભગ બે દાયકા પહેલાં PMT, GATE, JKCET અને UPSC CSE જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપી ચૂક્યા છે. જોકે અંગત કારણસર તેઓ ડૉક્ટર નહોતા બની શક્યા.
વિકાસ મંગોત્રા કહે છે કે ‘મારી દીકરીને મારી પાસેથી શીખવાનું બહુ ગમે છે. એક વખત મેં તેને એક પ્રશ્ન સૉલ્વ કરવામાં મદદ કરી તો તેને નવાઈ લાગી કે પપ્પાને હજી પણ બધું યાદ છે. તે NEETની તૈયારી સારી રીતે કરી શકે અને હું તેને વધુ સારી રીતે શીખવી શકું એટલા માટે મેં પણ આ એક્ઝામ આપી હતી.’ પાંચમી મેએ વિકાસ મંગોત્રાએ ગ્રેટર નોએડા સેન્ટરમાંથી અને તેમની ૧૮ વર્ષની પુત્રી મીમાંસાએ નોએડા સેન્ટરથી NEET UG પરીક્ષા આપી હતી. વિકાસ મંગોત્રા પરીક્ષામાં સફળ થવા માટે કોઈ વિદ્યાર્થીની જેમ જ ૧૫-૧૬ કલાક મહેનત કરતા હતા.