17 November, 2023 11:10 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં ગઈ કાલે સવારે છવાયેલું ધુમ્મસ
રાષ્ટ્રીય રાજધાનીમાં ગઈ કાલે દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે પ્રદૂષણ સામે જંગ લડવા સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે. ગોપાલ રાયે જણાવ્યું કે ‘ગઈ કાલના અનુમાનથી જ હાલની પરિસ્થિતિ જે ખૂબ નબળી કૅટેગરીમાં હોઈ, હવાની સ્પીડ ઓછી હોવાથી ઍર ક્વૉલિટી ઇન્ડેક્ટ (એક્યુઆઇ) ૨થી ૩ દિવસ નબળો જ રહેવાનો છે અને હવાની સ્પીડ વધે ત્યાં સુધી એક્યુઆઇ ખૂબ નબળી કૅટેગરીમાં જ રહેશે’.
તેમણે વધુમાં ઉમેર્યું કે ‘આ જોતાં ગ્રેપ-૪ના અમલીકરણને મૉનિટર કરવા ૬ સભ્યોની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ બનાવી છે. એના ઇન્ચાર્જ સ્પેશ્યલ સેક્રેટરી એન્વાયર્નમેન્ટ હશે’.
દિલ્હી સચિવાલય ખાતે દિલ્હી પૉલ્યુશન કન્ટ્રોલ કમિટી અને એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે ગોપાલ રૉયની સમીક્ષા બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી સરકાર અને આઇઆઇટી કાનપુરના સંયુક્ત પ્રોજેક્ટથી તાજેતરનાં તારણો દર્શાવે છે કે રાજધાનીમાં બુધવારે પ્રદૂષણમાં વાહનોથી થતા ધુમાડાનો હિસ્સો ૩૮ ટકા હતો, જે ગઈ કાલે વધીને ૪૦ ટકા થવા પામ્યો હતો.
સતત સાતમા દિવસે હવા પ્રદૂષિત
ગઈ કાલે રાજધાનીમાં બપોરે ૩ વાગ્યે એક્યુઆઇ ૪૧૨ પર હતી. દરરોજ ૨૪ કલાકના સરેરાશ ૪ વાગ્યે નોંધાતો એક્યુઆઇ જોઈએ તો ગયા બુધવારે ૪૦૧ હતો, મંગળવારે ૩૯૭, સોમવારે ૩૫૮, રવિવારે ૨૧૮, શનિવારે ૨૨૦, શુક્રવારે ૨૭૯ અને ગયા ગુરુવારે ૪૩૭ હતો.
બીજાને જવાબદાર ઠેરવવાથી કામ નહીં ચાલે : દિલ્હીના ગવર્નર
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાએ પ્રદૂષણની ગંભીર સ્થિતિ માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું હતું કે ‘કાર્યવાહીની જરૂર છે, ઢોંગની નહીં. દિલ્હીના પ્રદૂષણ માટે બીજાં રાજ્યોને જવાબદાર ગણાવવાં એ કોઈ સમાધાન નથી. એનો ઉકેલ દિલ્હીમાં છે. રાજનીતિ કરવા માટે બહુ સમય છે.’ વી. કે. સક્સેનાએ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે પરાળી બાળવાને કારણે આવતા ધુમાડાને રોકવા માટે અન્ય રાજ્યોને વિનંતી કરવા સિવાય બીજું કંઈ નથી કરી શકતા.