22 July, 2026 11:14 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે હૈદરાબાદમાં (ઉપર) અને ચેન્નઈમાં વિરોધ-પ્રદર્શન કરતા સ્ટુડન્ટ્સ.
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ની જંતરમંતરથી સંસદ સુધીની વિરોધકૂચમાં હિંસા થયાના એક દિવસ પછી દિલ્હી પોલીસે ગઈ કાલે પાર્લમેન્ટ સ્ટ્રીટ, બારાખંભા અને કનૉટ પ્લેસ પોલીસ-સ્ટેશનમાં ઓછામાં ઓછા ૪ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યા છે અને તપાસ શરૂ કરી છે. આ કેસ રમખાણો, સરકારી કર્મચારીઓ પર હુમલો અને જાહેર અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા સંબંધિત છે. પોલીસને શંકા છે કે આ હિંસા દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં શાંતિ ભંગ કરવાનું કોઈ મોટું કાવતરું હતું.
હિંસા વખતે માથામાં ગંભીર ઈજા પામેલા હેડ કૉન્સ્ટેબલ નવીન ઓલાએ દાવો કર્યો હતો કે ‘તોફાનીઓને કારણે આંદોલન ભડક્યું હોઈ શકે છે. હુમલાનું સ્વરૂપ સૂચવે છે કે વિરોધીઓમાં તોફાની તત્ત્વો હાજર હતાં. સવારે વિરોધ શાંતિપૂર્ણ રહ્યો હતો, પરંતુ બપોરે ભીડમાં રહેલા લોકોએ પોલીસ-બૅરિકેડ્સ તોડીને સંસદ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.
અમે આ વિદ્યાર્થીઓને સંસદ તરફ ન જવા કહ્યું હતું, પરંતુ તેમણે અમારા પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરો રેલવે-ટ્રૅક પર જોવા મળતા પથ્થરો જેવા જ હતા.’
ભીડને રોકવાનો પ્રયાસ કરતી વખતે નવીન ઓલાના કપાળ પર તીક્ષ્ણ પથ્થર વાગ્યો હતો, જેને કારણે તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં તેમના માથામાં ટાંકા લેવામાં આવ્યા હતા.
સંસદના મૉન્સૂનસત્ર વખતે નવી દિલ્હી જિલ્લામાં ડ્રોનના ગેરકાયદે ઉડાન વિશે એક FIR નોંધવામાં આવ્યો છે. બીજો FIR હિંસા ભડકાવવાના ગુનાહિત કાવતરાના આરોપસર નોંધવામાં આવ્યો છે. જાહેર સેવકોને તેમની ફરજો બજાવવામાં અવરોધ ઊભો કરવા, પોલીસ-કર્મચારીઓ પર હુમલો કરવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ બે વધુ FIR નોંધવામાં આવ્યા છે.
તપાસના ભાગરૂપે દિલ્હી પોલીસ ડિજિટલ પુરાવા પર મોટા પ્રમાણમાં આધાર રાખી રહી છે. એણે હિંસામાં સામેલ લોકોની ઓળખ કરવા માટે મોબાઇલ રેકૉર્ડિંગ, ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ, ડ્રોન કૅમેરાનું ફુટેજ અને પોલીસના બૉડી-વૉર્ન કૅમેરાના ફુટેજ સહિત ૨૫૦થી વધુ વિડિયો એકઠા કર્યા છે.
સોનમ વાંગચુક ઉપવાસ સમેટી લેવાના હતા, પણ પોલીસની ક્રૂરતા જોઈને નિર્ણય બદલ્યો : અભિજિત દીપકે
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ દાવો કર્યો છે કે સોનમ વાંગચુક સહઆંદોલનકારીઓની સતત વિનંતી બાદ ૨૩ દિવસ પછી પોતાના અચોક્કસ મુદતના ઉપવાસ સમેટી લેવા સંમત થઈ ગયા હતા. જોકે સોમવારે સંસદકૂચ દરમ્યાન પ્રદર્શનકારીઓ પર દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગને જોયા પછી તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો.
જંતરમંતર ખાતે પત્રકારો સાથે વાત કરતાં અભિજિત દીપકેએ જણાવ્યું હતું કે ‘ડૉક્ટરોએ વાંગચુકના લથડતા સ્વાસ્થ્ય અને અંગોને નુકસાન થવાની ગંભીર ચેતવણી આપી હતી. તેથી CJPના કાર્યકરોએ તેમના જીવનના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેમને ઉપવાસ છોડવા મનાવી લીધા હતા, પરંતુ સોમવારે પોલીસે વિદ્યાર્થીઓ પર કરેલા લાઠીચાર્જથી વ્યથિત થઈને વાંગચુકે હૉસ્પિટલમાંથી જ પોતાનો ઉપવાસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.’
સંસદકૂચ વખતે બર્ગર ખાતા પોતાના પ્રવક્તાને CJPએ હટાવ્યો
સોમવારે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ની સંસદકૂચ વખતે CJPનો પ્રવક્તા વિજેતા દહિયા વિરોધ-પ્રદર્શન છોડીને બર્ગર ખાઈ રહ્યો હોય અેવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ તેને પાર્ટીએ પ્રવક્તાપદેથી હટાવી દીધો હતો. વાઇરલ વિડિયોમાં બે યુવાનો વિજેતાને પૂછી રહ્યા હતા કે વિરોધકર્તાઓને લાકડીઓથી મારવામાં આવી રહ્યા છે અને તમે અહીં ફરો છો? આ કેવા પ્રકારનું સમર્થન છે? વિજેતા દહિયા શરૂઆતમાં તેમની અવગણના કરીને ચાલતો રહ્યો, પરંતુ આખરે કૅમેરાપર્સન સાથે વાત કરવા માટે અટકી ગયો અને શાંતિથી કહ્યું કે ‘તમે મજાક જેવું વર્તન કરી રહ્યા છો.’ વિવાદ વધી જતાં વિજેતા દહિયાએ બર્ગર ખાતી વખતે એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે ‘આખી રાત વિરોધ કર્યા પછી હું ભૂખ્યો હતો. આ વિવાદ બકવાસ છે.’
વિજેતા દહિયાએ એવા દાવાઓને ફગાવી દીધા કે તેણે વિરોધ-પ્રદર્શન છોડી દીધું હતું અને કહ્યું કે ‘મારી ટીકા કરનારા લોકો એવા લોકો હતા જેમણે કૂચમાં હાજરી આપી નહોતી. તમે મને એવી રીતે જવાબદાર ઠેરવો છો જાણે પ્રદર્શનકારી બનવું મારું કામ છે. તમે મને આ પદ માટે ચૂંટ્યો નથી.’