દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ચાલતી કાર આગનો ગોળો બની ગઈ

01 May, 2026 08:47 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વૈષ્ણોદેવીથી પાછા ફરી રહેલા એક જ પરિવારના પાંચ લોકો બળી ગયા

CNGને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી જેને કારણે મુસાફરો બહાર નીકળી શક્યા નહોતા

રાજસ્થાનમાં અલવરના મૌજપુરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બુધવારે રાતે ૧૧ વાગ્યે ચાલતી કારમાં આગ લાગતાં એક જ પરિવારના પાંચ લોકો જીવતા બળી ગયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના ચૈનપુરાના રહેવાસી ૩૫ વર્ષના સંતોષ, તેની ૩૦ વર્ષની પત્ની શશી, પંચાવન વર્ષનાં સાસુ પાર્વતી અને બે સગીરનો સમાવેશ થાય છે. પાર્વતીની બીમારી મટી ગયા બાદ પરિવાર માનતા પૂરી કરવા વૈષ્ણોદેવી ગયો હતો. કારમાંથી બધાનાં ફક્ત હાડકાં જ મળ્યાં છે. મૃતદેહોની ઓળખ કરવા માટે ડિઑક્સિરિબૉ ન્યુકલેઇક ઍસિડ (DNA) નમૂના લેવામાં આવશે. ડ્રાઇવર વિનોદકુમાર કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો, પણ તે ૮૦ ટકા જેટલો દાઝી ગયો છે. તેને પહેલાં નજીકના આરોગ્યકેન્દ્રમાં લઈ જવાયો હતો અને બાદમાં જયપુર મોકલવામાં આવ્યો છે.

આ પરિવાર કાર ભાડે લઈને વૈષ્ણોદેવી ગયો હતો અને ઍર્ટિગા કાર પેટ્રોલ અને કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) બન્ને ઈંધણથી દોડતી હતી. પોલીસને શંકા છે કે કારમાં CNG લીક થયો હશે અને એનાથી કારમાં આગ લાગી ગઈ હશે. વળી આ બળતણથી લાગતી આગ વિકરાળ હોય છે અને એ હાડકાં ગાળી નાખે એવી હોય છે.

લક્ષ્મણગઢ પોલીસને રાતે ૧૧.૧૫ વાગ્યે કારમાં આગ લાગ્યાની માહિતી મળી હતી. ફાયર-બ્રિગેડ રાતે ૧૧.૩૦ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી અને એને આગ ઓલવવામાં લગભગ ૧૫ મિનિટ લાગી હતી. CNGને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી જેને કારણે મુસાફરો બહાર નીકળી શક્યા નહોતા.

નેપાલમાં યાત્રાળુઓથી ભરેલી જીપ ૭૦૦ મીટર ઊંડી ખાઈમાં પડી, ૨૦નાં મોત

નેપાલના રોલ્પા જિલ્લામાં એક મોટી રોડ-દુર્ઘટના થઈ હતી. એમાં યાત્રાળુઓને લઈને જઈ રહેલી જીપ પહાડ પરથી નીચે પડી ગઈ હતી. સ્થાનિક પોલીસે કહ્યું હતું કે પૂર્ણિમાના અનુષ્ઠાન માટે યાત્રાળુઓ જલજલા જઈ રહ્યા હતા એ દરમ્યાન તેમની જીપ એક પહાડની કિનારીએથી સ્લિપ થઈને લગભગ ૭૦૦ મીટર ઊંડી ખાઈમાં પડી ગઈ હતી અને લગભગ ૨૦ લોકો મૃત્યુ પામ્યા હતા. 
ગરમી પછી આછો વરસાદ પડતાં રોડ ચીકણો થઈ ગયો હોવાથી આ દુર્ઘટના થઈ હોવાની સંભાવના છે.

road accident rajasthan delhi news new delhi national news news