પતંજલિના દિવ્ય દન્ત મંજનમાં માછલીનો અર્ક?

01 September, 2024 07:01 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હી હાઈ કોર્ટની બાબા રામદેવ અને કેન્દ્ર સરકારને નોટિસ

દિવ્ય દન્ત મંજન

યોગગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદના દિવ્ય દન્ત મંજનને શાકાહારી પ્રોડક્ટ તરીકે વેચવામાં આવે છે, પણ એમાં માછલીનો અર્ક સામેલ હોય છે એવી અરજીના મુદ્દે દિલ્હી હાઈ કોર્ટે બાબા રામદેવ અને કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો છે.
 
અરજદાર વકીલ યતિન શર્માએ દાવો કર્યો હતો કે ‘આ હર્બલ ટૂથ પાઉડરમાં સમુદ્રફેણ (સીપિયા ઑફિસિનેલિસ) છે જે માછલીના અર્કમાંથી મેળવવામાં આવે છે. એના ઘટકોમાં સમુદ્રફેણનો ઉલ્લેખ હોવા છતાં આ પ્રોડક્ટ પર ગ્રીન ડૉટ દર્શાવીને એને શાકાહારી પ્રોડક્ટ તરીકે વેચવામાં આવે છે. કોઈ દવાને શાકાહારી કે માંસાહારી જાહેર કરવાની જોગવાઈ નથી. અમારા જેવા ઘણા લોકો ઘરમાં માત્ર શાકાહારી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, પણ આ પ્રોડક્ટનો વપરાશ કરવાથી અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે. બાબા રામદેવે ખુદ એક યુટ્યુબ વિડિયોમાં સમુદ્રફેણનો ઉલ્લેખ ઍનિમલ-બેઝ્‍ડ પ્રોડક્ટ તરીકે કર્યો છે.’
 
જસ્ટિસ સંજીવ નરુલાએ યતિન શર્માની અરજી પર કેન્દ્ર સરકાર, ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા, બાબા રામદેવ, પતંજલિ આયુર્વેદ અને દિવ્ય ફાર્મસી સહિત સંબંધિત લોકોને નોટિસ મોકલી છે. આ કેસમાં ૨૮ નવેમ્બરે સુનાવણી થશે.
national news delhi high court baba ramdev Patanjali new delhi