26 June, 2025 06:57 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દિલ્હી (Delhi)ના રિઠાલા મેટ્રો સ્ટેશન (Rithala metro station) નજીક એક ફેક્ટરીમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના મંગળવારે સાંજે બની રહી છે. આગ લાગવાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ લગભગ ૧૬ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાસ્થળેથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આગમાં દાઝી ગયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક ત્રણ માળની પોલીથીન ફેક્ટરીમાં આગ (Delhi Fire) લાગી હતી. પ્લાસ્ટિકના કારણે આગ થોડી જ વારમાં આખી ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. ફેક્ટરીમાં હાજર લોકોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. માહિતી મળતાં જ ૧૬ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગમાં ત્રણ લોકોના મોત થયા છે. ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
ફાયર વિભાગ (Fire Department)ના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે લગભગ ૭.૨૫ વાગ્યે રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક એક ફેક્ટરીમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. ત્યાં પહોંચેલા ફાયર અધિકારીઓને જાણવા મળ્યું કે ત્રણ માળની ફેક્ટરીમાં પોલીથીન બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ફેક્ટરીમાં પ્લાસ્ટિક સામગ્રીનો મોટો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ.
દિલ્હી પોલીસ (Delhi Police)એ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક એક પોલીથીન ફેક્ટરીમાં લાગેલી આગમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો દાઝી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે, ફેક્ટરીની દિવાલ તોડવા માટે JCB મશીનની પણ મદદ લેવામાં આવી રહી છે જેથી બીજી બાજુથી પણ આગ પર પાણી રેડી શકાય. હાલમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આખરે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો, પરંતુ શરૂઆતમાં ભારે ગરમી અને માળખાકીય અસ્થિરતાને કારણે ઇમારતના ઉપરના માળ સુધી પહોંચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વિસ્તાર ઠંડો થયા પછી જ બચાવ ટીમ અંદર પ્રવેશ કરી અને પીડિતોને શોધી શકી. ત્યારે જાણ થશે કે મૃત્યુઆંક અને ઇજાગ્રસ્તનો આંકડો આગળ વધશે કે નહીં.
પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે, આગ વધુ ફેલાવવાનું કારણ પ્લાસ્ટિકની સામગ્રીઓ છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજી તપાસ હેઠળ છે.
નોંધનીય છે કે, રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક જે ફેક્ટરીમાં આગ લાગી છે તેના નજીકમાં એક રહેણાંક વિસ્તાર છે, જ્યાં ઘણી ફેક્ટરીઓ નિયમો અને કાયદાઓનું પાલન કર્યા વિના ચાલી રહી છે, અને નિર્દોષ લોકોને તેનું પરિણામ ભોગવવું પડે છે.