મજાક કે પછી કોઈ ખતરનાક કાવતરું?

13 April, 2023 12:44 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીની ડિફેન્સ કૉલોનીની સ્કૂલને બીજી વખત બૉમ્બની ધમકી આપવામાં આવી, ગયા વર્ષે નવેમ્બરમાં આ સ્કૂલને બરાબર એ જ રીતની ઇ-મેઇલ મળી હતી, જે જર્મન સર્વરથી મોકલવામાં આવી હતી

નવી દિલ્હીમાં ગઈ કાલે ઈ-મેઇલ દ્વારા બૉમ્બની ધમકી મળ્યા બાદ ધ ઇન્ડિયન સ્કૂલ ખાતે સ્પેશ્યલ વેપન ઍન્ડ ટેક્ટિક્સ ટીમના કમાન્ડોઝ.

દિલ્હીની ડિફેન્સ કૉલોનીની એક સ્કૂલમાં ગઈ કાલે સવારે એક ઈ-મેઇલ બાદ અફરાતફરી મચી ગઈ હતી. આ ઈ-મેઇલમાં જણાવવામાં આવ્યું હતું કે આ સ્કૂલના પ્રિમાઇસિસમાં બૉમ્બ છે. બૉમ્બ સ્ક્વૉડ અને અન્ય એજન્સીઓ વિસ્ફોટક સામગ્રીની શોધ કરી રહી હતી ત્યારે ‘ધ ઇન્ડિયન સ્કૂલ’ના સ્ટુડન્ટ્સ અને પેરન્ટ્સ સ્કૂલની બહાર એકત્ર થઈ ગયા હતા. આ પહેલાં પણ આ સ્કૂલને બૉમ્બની ધમકી આપવામાં આવી હતી. 

ધ ઇન્ડિયન સ્કૂલનાં પ્રિન્સિપાલ તાનિયા જોશીએ જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે સ્કૂલને એક ઈ-મેઇલમાં બૉમ્બની ધમકી આપવામાં આવી હતી. તાત્કાલિક સેફ્ટી માટેનાં પગલાં ભરવામાં આવ્યાં હતાં અને બાળકો અને સ્ટાફને સ્કૂલના પ્રિમાઇસિસમાંથી બહાર લઈ જવાયાં હતાં. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.’

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (સાઉથ) ચંદન ચૌધરીએ જણાવ્યું હતું કે આ સ્કૂલને ગઈ કાલે સવારે ૧૦.૪૯ વાગ્યે એક ઈ-મેઇલથી બૉમ્બની ધમકી મળી હતી. એ પછી તેમણે ડિફેન્સ કૉલોની પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.’ 

તેમણે જણાવ્યું હતું કે ‘અમે અમારી બૉમ્બ સ્ક્વૉડને તહેનાત કરી હતી. અમે આ ઈ-મેઇલના સોર્સની પણ તપાસ કરી રહ્યા છીએ. ગયા વર્ષે નવેમ્બરમાં આ સ્કૂલને બરાબર આ જ રીતની મેઇલ મળી હતી, જે જર્મન સર્વરથી મોકલવામાં આવી હતી.’

પટનાના ઍરપોર્ટને પણ બૉમ્બની ધમકી અપાઈ

પટનાના જયપ્રકાશ નારાયણ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને બૉમ્બથી ઉડાવવાની પણ ધમકી આપવામાં આવી હતી. પોલીસે ગઈ કાલે આ ધમકી આપનારી વ્યક્તિની ધકપકડ કરી હતી. પટનાના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ રાજીવ મિશ્રાએ જણાવ્યું હતું કે ઍરપોર્ટના એક અધિકારીને બૉમ્બની ધમકી આપતો કૉલ આવ્યો હતો. જોકે કંઈ પણ મળ્યું નથી. મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે ‘સમસ્તીપુર પોલીસે કૉલ કરનારને કસ્ટડીમાં લીધો છે. શરૂઆતની તપાસમાં બહાર આવ્યું છે કે એ વ્યક્તિએ દારૂના નશામાં કૉલ કર્યો હતો. સમગ્ર વિસ્તારથી તપાસ કરાઈ હતી. પોલીસ અને સીઆઇએસએફની જૉઇન્ટ ટીમે સર્ચ કર્યું હતું, પરંતુ કંઈ પણ મળ્યું નથી.’

national news new delhi patna