18 June, 2025 12:35 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સંદીપ ઉર્ફે કાલા જથેડી
દિલ્હીની એક કોર્ટે હાલમાં તિહાડ જેલમાં બંધ ગૅન્ગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જથેડીને જુડિશ્યલ કસ્ટડીમાં રહીને બાળકનું ગર્ભ ધારણ કરવા માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) સંબંધિત તબીબી પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપી હતી.
જથેડીના વકીલ ઍડ્વોકેટ રોહિતકુમાર દલાલે IVF પ્રક્રિયાને સરળ બનાવવા માટે ૬ કલાકની પરોલ માગી હતી, પણ ૯ જૂને ઍડિશનલ સેશન્સ જજ દીપક વાસને વચગાળાના પરોલનો ઇનકાર કર્યો હતો, પરંતુ પ્રક્રિયા જેલ પરિસરમાં કરવાની મંજૂરી આપી હતી. તેમણે નિર્દેશ આપ્યો હતો કે ડૉક્ટરો ૧૪ જૂને સવારે ૬થી ૭ વાગ્યા વચ્ચે તિહાર જેલની અંદર જથેડી પાસેથી જરૂરી નમૂના ભેગા કરે. જજે તેમના આદેશમાં નોંધ્યું હતું કે જથેડી અને તેની પત્ની બાળકને જન્મ આપીને તેમના વંશને જાળવી રાખવા માગે છે.
કોર્ટે અગાઉ ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) અને રામ મનોહર લોહિયા (RML) હૉસ્પિટલ પાસેથી તબીબી અભિપ્રાય માગ્યા હતા. બન્નેએ પુષ્ટિ આપી હતી કે IVF પ્રક્રિયા જેલમાં સુરક્ષિત રીતે હાથ ધરી શકાય છે. જથેડીની પત્ની અનુરાધા ચૌધરી જ્યાં IVF સારવાર લઈ રહી છે એ ગુરુગ્રામની એક પ્રાઇવેટ હૉસ્પિટલના ડૉક્ટરોને જથેડીના સ્પર્મના સંગ્રહ માટે તિહાડ જેલમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી.
ઍડ્વોકેટ દલાલે દલીલ કરી હતી કે IVFના સમય સંવેદનશીલ હોવાથી વચગાળાના પરોલ આવશ્યક છે. મૅડમ મિંઝ તરીકે પણ ઓળખાતી જાથેડીની પત્ની અનુરાધા ચૌધરી પરની IVF ટ્રીટમેન્ટ છેલ્લા તબક્કામાં ચાલી રહી છે.
જથેડી અને અનુરાધા ચૌધરીનાં લગ્ન ૨૦૨૪ની ૧૨ માર્ચે દ્વારકા બૅન્ક્વેટ હૉલમાં ભારે સુરક્ષા વચ્ચે થયાં હતાં. તેને આ પ્રસંગ માટે ૬ કલાકનો પરોલ આપવામાં આવ્યો હતો. સ્થળને સુરક્ષિત રાખવા માટે સ્થાનિક પોલીસ અને અર્ધ-લશ્કરી દળો તહેનાત કરવામાં આવ્યાં હતાં. દિલ્હી અને પાડોશી રાજ્યોમાં અનેક ખંડણીના કેસમાં સંડોવણીના પગલે જથેડી હાલમાં જેલમાં છે. તેની પત્ની ચૌધરી સામે પણ ગંભીર ગુનાહિત આરોપો લગાવવામાં આવ્યા હતા. તેનું નામ ઠાર કરવામાં આવેલા ગૅન્ગસ્ટર ટિલ્લુ તાજપુરિયા સાથે જોડાયેલું હતું.