23 August, 2025 12:27 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચીફ મિનિસ્ટર રેખા ગુપ્તાએ અરવિંદર સિંહ લવલીને બિરદાવ્યા
દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ગઈ કાલે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાને આ સમય દરમ્યાન બે મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.
પહેલી જાહેરાતમાં તેમણે પાર્ટીના નેતા અને ગાંધીનગરના વિધાનસભ્ય અરવિંદર સિંહ લવલીને યમુનાપારના મુખ્ય પ્રધાન ગણાવ્યા હતા. બીજી જાહેરાતમાં તેમણે ગાંધીનગરના વિકાસ માટે ૧૫ કરોડ રૂપિયાના ભંડોળની જાહેરાત કરી હતી.
મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ અરવિંદર સિંહ લવલીને યમુનાપારના મુખ્ય પ્રધાન ગણાવીને હળવા શબ્દોમાં કહ્યું હતું કે ‘અરવિંદર લવલીજીને યમુનાપારના વિસ્તારોની હંમેશાં ચિંતા સતાવતી હોય છે. યમુનાપારની ચિંતા કરનારા એક નેતા છે એટલે મારો પણ વર્કલોડ ઓછો થઈ જશે.’
મુખ્ય પ્રધાને અરવિંદર સિંહ લવલીને યમુનાપાર વિકાસ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કર્યા હતા અને કહ્યું હતું કે દિલ્હી સરકાર એ માટે બજેટ પણ બહાર પાડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે યમુનાપારનો વિકાસ ટૂંક સમયમાં દેખાશે અને દિલ્હી ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (DTC) બસોની સંખ્યામાં વધારો કરવામાં આવશે.