દિલ્હી બ્લાસ્ટ સંદર્ભે હરિયાણાની ડૉ. પ્રિયંકા શર્માની અટકાયત, પછી છોડી મૂકવામાં આવી

19 November, 2025 10:22 AM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા અનંતનાગમાં MD કરી રહી છે

ડૉ. પ્રિયંકા શર્મા

દિલ્હી કાર-બ્લાસ્ટ સંદર્ભે પૂછપરછ માટે હરિયાણાના રોહતકની રહેવાસી ડૉ. પ્રિયંકા શર્માની અનંતનાગમાં અટકાયત કરવામાં આવી હતી અને પછી તેને છોડી મૂકવામાં આવી હતી.

આ સંદર્ભે તેના ભાઈ ભરતે કહ્યું હતું કે ‘તે તેના પરિવાર સાથે વિડિયો-કૉલ પર વાત કરી રહી હતી ત્યારે અધિકારીઓએ તેનો દરવાજો ખટખટાવ્યો હતો. તેને પૂછપરછ માટે લઈ જવામાં આવી હતી અને પછીથી છોડી દેવામાં આવી હતી. અમે જાણીએ છીએ કે તે આ કેસ સાથે જોડાયેલી નથી.’

પૂછપરછ વિશે બોલતાં ભરતે કહ્યું હતું કે ‘પ્રિયંકા અનંતનાગમાં MD કરી રહી છે. અમે તેની સાથે વિડિયો-કૉલ પર વાત કરી રહ્યા હતા. કોઈકે દરવાજો ખટખટાવ્યો હોવાથી તેણે કૉલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો. એ પછી અમે તેનો સંપર્ક નહોતા કરી શક્યા. બાદમાં તેના રૂમમેટ્સે જાણ કરી હતી કે તેને પૂછપરછ માટે લઈ જવામાં આવી છે અને પછીથી છોડી મૂકી છે. આ પૂછપરછ દિલ્હી બ્લાસ્ટ-કેસ સાથે સંબંધિત હતી. તે શરૂઆતથી જ અનંતનાગમાં ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ હૉસ્ટેલમાં રહે છે. કેટલાક સરકારી અધિકારીઓ પણ આવ્યા હતા અને મૂળભૂત પ્રશ્નો પૂછ્યા હતા. તેના પતિ ભિવાની સિવિલ હૉસ્પિટલમાં મેડિકલ ઑફિસર છે. પ્રિયંકાએ અધિકારીઓને તેના ઘર વિશે જણાવ્યું હોવાથી કેટલાક અધિકારીઓ તેનાં સાસરિયાંઓ પાસે પણ ગયા હતા. તપાસ-એજન્સીઓ તેમનું કામ કરી રહી છે અને બધું સ્પષ્ટ થઈ જશે. તે દિવાળીમાં રોહતક પણ આવી હતી. તેના વર્તનમાં કોઈ ફેરફાર થયો નહોતો. અમે જાણીએ છીએ કે તે આ કેસ સાથે જોડાયેલી નથી. જોકે તપાસ-એજન્સીઓ એમનું કામ કરી રહી છે.’

bomb blast blast new delhi haryana national news news rohtak