‘મોચા’ વધુ તીવ્ર બન્યું

08 May, 2023 12:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બંગાળની ખાડીના દ​ક્ષિણ પૂર્વે તીવ્ર વાવાઝોડું ટકરાવાની શક્યતા

વાવાઝોડું ‘મોચા’ ત્રાટકે તો કલકત્તા શહેરમાં પરિસ્થિતિ કઈ રીતે સંભાળવી એની માહિતી આપતા પોલીસ અધિકારી.

ભારતીય હવામાન વિભાગે ગઈ કાલે જણાવ્યું હતું કે આજે બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર સર્જાઈ શકે છે, જેને કારણે આવતી કાલે ચક્રવાતી તોફાન ‘મોચા’ વધુ તીવ્ર બનવાની આગાહી છે. 

શનિવારે હવામાન વિભાગે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં રચાયેલા ચક્રવાતી પરિભ્રમણનો સંકેત આપતાં કહ્યું હતું કે ‘આગામી અઠવાડિયામાં આ વિસ્તારમાં સંભવિત ગંભીર ચક્રવાતી વાવાઝોડું સંભવી શકે છે. આ ચક્રવાતનું નામ મોચા (મોખા) રાખવામાં આવ્યું હતું. આ નામ ૫૦૦ વર્ષ પહેલાં વિશ્વમાં કૉફીની રજૂઆત કરવા માટે જાણીતા લાલ સમુદ્રના બંદર શહેરને કારણે યમન દ્વારા આ નામ સૂચવવામાં આવ્યું હતું. 

આંદામાન, આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં વરસાદની ચેતવણી

હવામાન​ વિભાગે આઠથી ૧૨ મે દરમ્યાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભારેથી અતિભારે વરસાદ અને હળવા પવનની આગાહી કરી છે. ૭થી ૯ મે દરમ્યાન આંધ્ર પ્રદેશ અને ઓડિશાના જિલ્લાઓમાં રેઇન વૉચની ચેતવણી પણ હવામાન વિભાગે જાહેર કરી છે. હવામાન વિભાગે દ​ક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર ગઈ કાલથી ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવાની ચેતવણી સાથે માછીમારોને સુર​ક્ષિત સ્થળે આશ્રય લેવા કે વહેલાસર પાછા ફરવાની ​ચેતવણી આપી છે. 

national news Weather Update bay of bengal new delhi