ઇન્દોરમાં ગ્રાહકને પાણી ભરેલું LPG સિલિન્ડર મળ્યું

16 July, 2026 02:47 PM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

આ પછી બે મહિના સુધી તે પોતાની ફરિયાદ લઈને ઠેર-ઠેર ભટક્યો અને છેવટે કન્ઝ્યુમર કોર્ટમાં ગયો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ભારતમાં બે મહિના પહેલાં રાંધણગૅસનાં સિલિન્ડરોની અછત હતી ત્યારે મધ્ય પ્રદેશમાં ઇન્દોરના વિકાસનગરના રહેવાસી રાજેન્દ્ર સાવલેને ઘણી વાર બુકિંગ કરાવ્યા પછી ગૅસ-સિલિન્ડર મળ્યું હતું, પણ એમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ને બદલે પાણી હતું. રાજેન્દ્રએ ગૅસ-એજન્સીને ફરિયાદ કરી ત્યારે એ સિલિન્ડર બદલવા માટે સંમત થઈ, પરંતુ ફરીથી ૯૭૦ રૂપિયાની માગણી કરી હતી. તેની પાસે ફરીથી આપવા માટે આટલા રૂપિયા નહોતા તેથી તેને બીજું સિલિન્ડર આપવામાં આવ્યું નહીં.

આ પછી બે મહિના સુધી તે પોતાની ફરિયાદ લઈને ઠેર-ઠેર ભટક્યો અને છેવટે કન્ઝ્યુમર કોર્ટમાં ગયો. જોકે તેની પાસે વકીલ રાખવા માટે પૈસા નહોતા એટલે તે ઘરે પાછો ફર્યો. જોકે ગયા મંગળવારે તે પાણીથી ભરેલા ગૅસ-સિલિન્ડર સાથે કલેક્ટરની ઑફિસમાં પહોંચ્યો હતો. તેણે જિલ્લા-પ્રશાસનની જાહેર સુનાવણીમાં બધાને બતાવ્યું કે સિલિન્ડરના નોઝલમાંથી LPG ગૅસને બદલે પાણી આવી રહ્યું છે. તેની ફરિયાદ બાદ ખાદ્ય વિભાગે ગૅસ-એજન્સીને સિલિન્ડર બદલી આપવાનો અને આ કેસની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

madhya pradesh indore lpg cylinder india