પાકિસ્તાન માટે જાસૂસી કરતા CRPF જવાને પૂછપરછમાં સ્વીકાર્યો ગુનો, "હું ફસાઈ..."

29 May, 2025 06:51 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

India Pakistan Tension: જાસૂસીના આરોપમાં ધરપકડાયેલ સીઆરપીએફ જવાને પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે કઈ રીતે પાકિસ્તાનવા જાળમાં ફસાઈ ગયો.

પ્રતીકાત્મક તસવીર

India Pakistan Tension: જાસૂસીના આરોપમાં ધરપકડાયેલ સીઆરપીએફ જવાને પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે કઈ રીતે પાકિસ્તાનવા જાળમાં ફસાઈ ગયો.

NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ સીઆરપીએફ જવાનની ધરપકડ કરી હતી. હવે આ મામલે એક મોટો ખુલાસો થયો છે. સીઆરપીએફના જવાને પોતાના નિવેદનમાં કહ્યું કે તે ભૂલથી ફસાઈ ગયો હતો અને આમાંથી બહાર ન આવ્યો. આરોપ એ છે કે સીઆરપીએફ જવાન મોતી રામ જાટે ભારતની સંવેદનશીલ માહિતીઓ પાકિસ્તાન મોકલી છે. મોતીરામને આને માટે પૈસા મળ્યા હતા.

જાસૂસીના આરોપી જવાનને સીઆરપીએફે સસ્પેન્ડ કરી દીધો હતો. `ધ હિંદૂ`ના એક સમાચાર પ્રમાણે એનઆઈએના અધિકારીઓએ સીઆરપીએફ જવાનની પૂછપરછ કરી છે. એક અધિકારીએ મોતીરામની પૂછપરછ પર કહ્યું, "તેના ફોનમાંથી પાકિસ્તાની હેન્ડલર્સની ચેટ મળી છે. તેણે ચેટ ડિલીટ નથી કરી. એનઆઈએ હાલ તપાસ કરશે કે તેણે કંઈ ડિલીટ કર્યું છે કે નહીં. તેને પોતાની ભૂલની ખબર પડી છે અને તેને પસ્તાવો પણ થઈ રહ્યો છે. તેણે જણાવ્યું કે પાકિસ્તાની હેન્ડલર્સના જાળમાં ફસાતો ચાલ્યો ગયો અને નીકળી ન શક્યો."

CRPF જવાનના ખાતામાં દર મહિને આવતા હતા 3000 રૂપિયા
રિપોર્ટ મુજબ, મોતી રામ 2023થી પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી મોકલી રહ્યો હતો. તેને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ તરફથી પણ ભંડોળ મળ્યું છે. મોતી રામના ફોન ચેટ તેમજ બેંક ખાતામાંથી એક મહત્વપૂર્ણ સંકેત મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દર મહિને તેના ખાતામાં 3000 રૂપિયા આવતા હતા અને આ રકમ વિદેશી ખાતા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ કારણે શંકા વધુ ઘેરી બની હતી.

પાકિસ્તાની એજન્ટ મહિલા બનીને કરતો હતો વાત
આરોપી CRPF જવાન સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની એજન્ટ સાથે વાત કરતો હતો. મહત્વની વાત એ છે કે પાકિસ્તાની એજન્ટ મહિલા બનીને તેની સાથે વાત કરતો હતો. તેણે પહેલા વાતચીત દ્વારા મોતી રામને ફસાવ્યો અને પછી તેને જાસૂસી કરવા માટે મનાવ્યો. તમને જણાવી દઈએ કે NIA ટીમ હજુ પણ પૂછપરછ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે NIA એ સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે આરોપી મોતી રામ જાટ જાસૂસી પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ હતો. તે 2023 થી પાકિસ્તાન ગુપ્તચર અધિકારીઓ (PIO) સાથે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વર્ગીકૃત માહિતી શેર કરી રહ્યો હતો. NIA દ્વારા વધુ તપાસમાં જાણવા મળ્યું કે તે PIO પાસેથી અલગ અલગ માધ્યમો દ્વારા પૈસા મેળવતો હતો.

NIA એ મોતી રામની દિલ્હીથી ધરપકડ કરી હતી. આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. એજન્સીએ આજે ​​તેમને પટિયાલા હાઉસ કોર્ટની ખાસ કોર્ટમાં રજૂ કર્યા, જ્યાંથી તેમને 6 જૂન સુધી NIA કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાની જાસૂસો પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ ઘટના પછી પકડાયેલા ઘણા જાસૂસોમાં, હરિયાણાના યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા એક મોટું અને પ્રખ્યાત નામ છે. ત્યારબાદ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ઘણા વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ આંકડો વધુ વધી શકે છે.

delhi news pakistan Pahalgam Terror Attack central reserve police force national news new delhi