દિલ્હીમાં થર્ટીફર્સ્ટની રાત્રે યુવતીનું શારીરિક શોષણ કર્યા બાદ ૧૩ કિલોમીટર સુધી તેને કાર નીચે ઘસડવામાં આવી?

03 January, 2023 11:46 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં યુવતીને કારની નીચે ઘસડવાની ઘટનાના સાક્ષીનું કહેવું છે કે આરોપીઓ એક જ રોડ પર કાર ચલાવતા રહ્યા અને યુટર્ન લેતા રહ્યા હોવાથી આ માત્ર અકસ્માત ન હોઈ શકે  

નવી દિલ્હીમાં ૨૦ વર્ષની યુવતીના મોતના કેસમાં દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા પાંચ આરોપીઓ

દિલ્હીમાં થર્ટી ફર્સ્ટની રાત્રે થયેલાં ૨૦ વર્ષની યુવતીના મોતમાં હવે નવાં હાઈ ક્વૉલિટી સિક્યૉરિટી કૅમેરાનાં ફુટેજ અને એક સાક્ષીના નિવેદનથી એ રાત્રે શું બન્યું હશે એ સ્પષ્ટ થઈ રહ્યું છે. રવિવારે મઘરાત બાદ આ યુવતીનું સ્કૂટી એક કાર સાથે ટકરાયું હતું એ પછી આ યુવતીને લગભગ એક કલાક સુધી કારની નીચે ઘસડવામાં આવી હતી. આ નવાં સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે દિલ્હીમાં કંઝાવાલામાં એક રોડ પર મારુતિ કાર યુટર્ન લઈ રહી હતી ત્યારે મરનાર યુવતી કારની નીચે ફસાયેલી હતી. આગળ જતાં આ યુવતીનો મૃતદેહ રસ્તા પર પડી ગયો હતો. એ વિસ્તારમાં મીઠાઈની દુકાન ચલાવતા દીપક દહિયાએ પહેલાં જ આ વાત જણાવી હતી.  

દહિયાએ જણાવ્યું હતું કે મેં સ્કૂટીને ટક્કર માર્યા બાદ કારને યુટર્ન લેતાં જોઈ હતી. આ ફુટેજ સવારે સાડાત્રણ વાગ્યે રેકૉર્ડ થયું હતું.

આ સાક્ષીએ એમ પણ જણાવ્યું હતું કે કારનો ડ્રાઇવર ૧૮થી ૨૦ કિલોમીટર સુધી કારની નીચે યુવતીનો મૃતદેહ ઘસડતો રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહ ૧૩ કિલોમીટર સુધી ઘસડાયો હતો.

 

સીસીટીવી કૅમેરાના ફુટેજમાં કારની નીચે યુવતી દેખાઈ રહી છે

દહિયાએ જણાવ્યું હતું કે ‘આરોપી એ જ રોડ પર કાર ચલાવતો રહ્યો હતો. તેણે અનેક યુટર્ન લીધા હતા. મેં તેમને અનેક વખત રોકવાની કોશિશ કરી હતી, પરંતુ તેમણે વાહન રોક્યું નહોતું.’ 
તેણે બાઇક પર આ કારનો પીછો કર્યો હતો અને તે પોલીસના કૉન્ટૅક્ટમાં હતો. મૃતદેહ કારમાંથી અલગ થયા બાદ આરોપીઓ ભાગી ગયા હતા. દહિયાએ ભારપૂર્વક કહ્યું હતું કે ‘એ માત્ર એક અકસ્માત ન હોઈ શકે.’

પોલીસ આ ઍન્ગલથી પણ તપાસ કરી રહી છે કે આરોપીઓએ આ યુવતીનું શારીરિક શોષણ કર્યા બાદ તેને કાર નીચે કચડી તો નહીં નાખી હોયને? આ શંકા જવાનું કારણ એ છે કે યુવતીનો મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં હતો. જોકે બીજી એક થિયરી એવી પણ છે કે કારની નીચે આવી જવાથી તેનાં કપડાં ફાટી ગયા હશે. અત્યારે તો પોલીસ દરેક ઍન્ગલથી આ કેસની તપાસ કરી રહી છે.

આરોપી બીજેપીનો લીડર હોવાનો આમ આદમી પાર્ટીનો આરોપ 

દિલ્હીની આ ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે ‘કંઝાવાલામાં અમારી બહેનની સાથે જે થયું એ ખૂબ શરમજનક છે. હું આશા કરું છું કે દોષીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે.’ આમ આદમી પાર્ટી (આપ)ના વિધાનસભ્ય દુર્ગેશ પાઠકે ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાની ટીકા કરી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ‘દેશની રાજધાની ક્રાઇમ સિટી બની ગઈ છે. દિલ્હીમાં આપણી બહેન-દીકરીઓ સુર​ક્ષિત નથી અને ઉપરાજ્યપાલ કાયદા-વ્યવસ્થાની જવાબદારી છોડીને રાજકારણ રમી રહ્યા છે.’

આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે એવો પણ દાવો કર્યો હતો કે આ કેસમાં આરોપી મનોજ મિત્તલ બીજેપીનો લીડર છે. તેમણે કહ્યું હતું કે ‘દિલ્હી પોલીસ આ કેસમાં યોગ્ય તપાસ ન કરીને બીજેપીના આ લીડરને બચાવવાની કોશિશ કરી રહી છે. આ મહિલા પર બળાત્કાર થયો હોવો જોઈએ.’

આમ આદમી પાર્ટીને જવાબ આપતાં બીજેપીના પ્રવક્તા હરીશ ખુરાનાએ કહ્યું હતું કે ‘આમ આદમી પાર્ટી આ મામલે રાજકારણ રમી રહી છે. સૌરભ ભારદ્વાજની ભાષા સડકછાપ છે.’ 
આ કેસમાં પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે. તેમની દીપક ખન્ના, અમિત ખન્ના, ક્રિષ્ન, મિથુન અને મનોજ મિત્તલ તરીકે ઓળખ કરવામાં આવી છે. દિલ્હીની અદાલતે આ પાંચેય આરોપીઓને ગઈ કાલે ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા.

national news new delhi Crime News